ક્રિકેટર શ્રીસંતને મોટી રાહત, આજીવન પ્રતિબંધને ઘટાડી સાત વર્ષનો કરાયો

ભારતીય ક્રિકેટ ક્ન્ટ્રોલ બોર્ડે(BCCI)એ 36 વર્ષીય ક્રિકેટર એસ.શ્રીસંત પર મૂકવામાં આવેલા આજીવન પ્રતિબંઘને ઘટાડી સાત વર્ષનો કરી નાંખ્યો છે. હવે 13મી સપ્ટેમ્બર-2020માં શ્રીસંત પર મૂકવામાં આવેલો પ્રતિબંધ સમાપ્ત થશે. BCCIના લોકપાલ તરફથી કરવામાં આવેલા આદેશમાં જણાવાયું છે કે શ્રીસંત પર મૂકાયેલો આજીવન પ્રતિબંધ સાત વર્ષનો કરી દેવામાં આવ્યો છે. શ્રીસંત પર 13મી સપ્ટેમ્બર-2013માં આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

આ પહેલાં માર્ચ 2019માં શ્રીસંત પર મૂકવામાં આવેલા આજીવન પ્રતિબંધને સુપ્રીમ કોર્ટે હટાવી દીધો હતો. આઈપીએલમાં સ્પોટ ફિક્સીંગ મામલે બીસીસીઆઈની પાસે કાર્યવાહી કરવાનો અધિકાર હોવાનું કોર્ટ કહ્યું હતું. કોર્ટે શ્રીસંતને સાંભળવાની તક આપવાનું કહ્યું હતું અને ત્રણ મહિના સજા નક્કી કરવાનું કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે બીસીસીઆઈ શ્રીસંત પર મૂકવામાં આવેલા પ્રતિબંધ અંગે ફેરવિચારણા કરે અને આજીવન પ્રતિબંધ વધારે પડતો છે.