મુંબઇની સ્પેશિયલ કોર્ટે અંડર વર્લ્ડ ડોન છોટા રાજન સહિત 6 આરોપીઓની દોષી જાહેર કર્યા છે. ઓક્ટોબર 2012માં હોટલનો બિઝનેસ ચલાવતા બી.આર.શેટ્ટીની હત્યાના પ્રયાસ મામલે અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજન અને અન્ય પાંચ લોકોને દોષી જાહેર કરવામાં આવ્યા છે. છોટા રાજન વિરુદ્ધ ચાલી રહેલા કેસો માટે રચાયેલી વિશેષ મકોકા કોર્ટે આ ચુકાદો આપ્યો છે.
બી.આર.શેટ્ટી પર 2012માં છોટા રાજનના 2 શૂટરોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં તેમને ખભાના ભાગે ગોળી વાગી હતી. આ હુમલા બાદ લાંબા સમય સુધી તેમની સારવાર ચાલી હતી.
નોંધનીય છે કે, કોર્ટે છોટા રાજન સિવાય સતીશ કાલિયા, નિત્યાનંદ નાયક, સેલ્વિન, દિલીપ ઉપાધ્યાય અને તલવિંદર સિંહને પણ દોષી જાહેર કર્યા છે. આ તમામ લોકો રાજનની ગેંગ સાથે જોડાયેલા હતા. જેમની જલંધરથી ધરપકડ કરવામાં આવી હતી.
બીઆર શેટ્ટી મુંબઇમાં એક જાણીતા હોટલના વ્યવસાયી છે. 3 ઓક્ટોબર 2012 ની રાત્રે, લગભગ પોણા દસ વાગ્યે, તે પોતાની કારમાં સવાર થઇને લિંક રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તનિષ્ક શોરૂમ નજીક બે બાઇક સવાર કેટલાક અજાણ્યા લોકોએ તેમને ઓવરટેક કરીને તેમના પર આડેધડ ગોળીબાર કર્યો હતો.
નોંધનીય છે કે, બીઆર શેટ્ટી, જાતે જ કાર ચલાવી રહ્યા હતા, તે કંઇક સમજે તે પહેલાં જ તેના ખભા પર ગોળી વાગી હતી અને તે સીટ પર ઢળી પડ્યા હતા. હુમલાખોરો ઘટનાને અંજામ આપીને ઘટના સ્થળેથી ભાગી છૂટયા હતા. તેઓ ક્યાંથી આવ્યા હતા અને ક્યાં ગયા હતા. તે અંગે કોઇ જ જાણકારી પ્રાપ્ત થઇ શકી નહોતી. ત્યારબાદ બીઆર શેટ્ટીને મુંબઈની ધીરૂભાઇ અંબાણી કોકિલા બેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ મામલા અંગેની ફરિયાદ નોંધાયા બાદ સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. તપાસમાં સામે આવ્યું કે, બીઆર શેટ્ટી પર થયેલ આ હુમલો અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજને કરાવ્યો હતો.