ઔવેસીનો સવાલ: ટ્રમ્પને ફોન કેમ કર્યો, કાશ્મીર અંગે ફરીયાદ કેમ કરી? અમેરિકાની દખલનો મૂક્યો આરોપ

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલીમિન (AIMIM) ના વડા અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે કાશ્મીર મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સામેલ કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર વધુ એક હુમલો કર્યો હતો.

ઔવેસીએ કહ્યું કે શરૂઆતથી જ અમે કહી રહ્યા છીએ કે કાશ્મીર દ્વિપક્ષીય મુદ્દો છે. ભારત આ અંગે ખૂબ જ સુસંગત વલણ ધરાવે છે. તો પછી પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને કાશ્મીર અંગે ફરિયાદ કરવાની શું જરૂર હતી?

PM મોદીએ ટ્રમ્પ સાથે 30 મિનિટની વાતચીત કરી હતી, જે દરમિયાન તેમણે પાકિસ્તાનના નેતાઓ દ્વારા બેફામ નિવેદનો અને ભારત વિરોધી હિંસા માટે ઉશ્કેરણી નો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના પગલે ટ્રમ્પે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને ગમે તેમ નિવેદનોથી બચવા અને તણાવ ઘટાડવાનું કહ્યું છે.

બંને નેતાઓ સાથે ટેલિફોનિક વાતચીત થયાના ટૂંક સમયમાં જ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું હતું કે બન્ને દેશોના વડાપ્રધાન સાથે સારી વાતચીત થઈ છે, જોકે કઠિન પરિસ્થિતિ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ટવિટમાં લખ્યું કે, ‘ભારતના વડા પ્રધાન મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન વેપાર, વ્યૂહાત્મક ભાગીદારી સાથે આગળ વધવાનું કહ્યું છે અને સૌથી અગત્યનું કાશ્મીરમાં તનાવ ઘટાડવાની દિશામાં ભારત અને પાકિસ્તાન માટે કામ કરવાના સંદર્ભમાં મારા બે સારા મિત્રો સાથે વાત કરી હતી.

કલમ 370ને રદ કર્યા પછી ઓવૈસી મોદી સરકારની આકરી ટીકા કરી રહ્યા છે. મંગળવારે હૈદરાબાદના આ નેતાએ કેન્દ્રના નિર્ણયની નિંદા કરી હતી અને કહ્યું હતું કે સરકારને “કાશ્મીર પ્રત્યે પ્રેમ છે, પરંતુ કાશ્મીરીઓ માટે નહીં. તેમને જમીન પ્રત્યે પ્રેમ છે પરંતુ ત્યાં રહેતા લોકો માટે કોઈ પ્રેમ નથી. તે ન્યાયને નહીં પણ શક્તિને ચાહે છે. તેઓ ફક્ત સત્તા જાળવી રાખવા માગે છે.