દિલ્હી હાઈકોર્ટ કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમને મોટો ઝટકો આપ્યો છે. INX મીડિયા કેસમાં હાઈકોર્ટે ચિદમ્બરમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટમાં પૂર્વ નાણામંત્રીએ ત્રણ દિવસની મહેતલ માંગી છે. આગોતરા જામીન રદ્દ થતાં ઈડી અને સીબીઆઈ ટૂંક સમયમાં તેમની ધરપકડ કરી શકે છે.
INX મીડિયા કેસમાં ચિદમ્બરમ પર ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રોમોશન બોર્ડ પાસેથી ગેરકાયદે રીતે મંજુરી અપાવવા માટે 305 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે. આ કેસમાં અત્યાર સુધી ચિદમ્બરમને કોર્ટ દ્વારા બે ડઝન વાર આગોતરા જામીન આપીને રાહત આપવામાં આવી હતી અને આના કારણે તેમની ધરપકડ કરાતી ન હતી. આ મામલો 2007નો છે, જ્યારે ચિદમ્બરમ નાણામંત્રી હતા.
ચિદમ્બરમ પર આરોપ છે કે INX મીડિયાને ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રોમોશન બોર્ડની પરવાનગી આપવા માટે 305 કરોડ રૂપિયા લાંચ પેટે લેવામાં આવ્યા હતા. આ મામલે સીબીઆઈ અને ઈડીએ ચિદમ્બરમના પુત્ર કાર્તિક ચિદમ્બરમની ધરપકડ કરી હતી, અને હાલ તે જામીન પર મૂક્ત છે. આ કેસમાં વળાંક ત્યારે આવ્યો કે જ્યારે ઈન્દ્રાણી મુખરજી ચોથી જૂલાઈએ સરકારી સાક્ષી બની ગઈ. 2017માં સીબીઆઈએ આ મામલે ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રોમોશન બોર્ડ દ્વારા આપવામાં આવેલી પરવાનગીમાં ગોટાળા અને કૌભાંડ સંબંધે એફઆઈઆર દાખલ કરી ગુનો નોંધ્યો હતો. જ્યારે ઈડીએ મની લોન્ડરીંગનો ગુનો દાખલ કર્યો હતો.