યેદિયુરપ્પાએ કેબિનેટની રચના કરતાં જ કર્ણાટક ભાજપમાં ફાટી નીકળ્યો અસંતોષ, જાણો શું થયું

કર્ણાટકમાં ચોથી વખતે મુખ્યમંત્રી પદના શપથ લીધાના પચ્ચીસ દિવસ પછી, બીએસ યેદિયુરપ્પાએ અંતે કેબિનેટમાં 17 મંત્રીઓનો સમાવેશ કર્યો. જ્યારે હાઈકમાન્ડે ઇરાદાપૂર્વક 16 મંત્રાલય ખાલી છોડી દીધા છે અને કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર)ના 17 ‘બળવાખોર’ ધારાસભ્યોને ઈનામ આપવા માટે કોણીએ ગોળ લગાવી રાખ્યો હોવાનું લાગી રહ્યું છે. બળવાખોર ધારાસભ્યોને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

ઉમેશ કટ્ટી, મુરુગેશ નિરાણી, બાલચંદ્ર ઝારકીહોલી, રેણુકાચાર્ય અને બસવરાજ પાટિલ યતનાલ જેવા ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓનો નવા મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. આ નેતાઓને નવી કેબિનેટમાં સ્થાન મળ્યું નથી.

ચિત્રદુર્ગના ચાર વખતના ભાજપના ધારાસભ્ય જી.એચ. થિપ્પા રેડ્ડીએ મંત્રી પદના ઉમેદવાર પૈકીના એકએ મંત્રીઓની યાદીમાં પોતાનો સમાવેશ ન થતાં ‘આશ્ચર્ય અને પીડા’ વ્યક્ત કરી હતી. રેડ્ડીએ એમ પણ કહ્યું હતું કે વફાદાર અને વરિષ્ઠ ધારાસભ્યોને મંત્રી મંડળમાંથી દુર રાખવામાં આવ્યા છે તે ગંભીર બાબત છે. ભાજપ હાઈકમાન્ડનું આ અંગે ધ્યાન દોરવામાં આવશે.

ભાજપના સુલિયાના ધારાસભ્ય એસ.અંગારા પણ છ ટર્મથી ધારાસભ્ય છે. અંગારા પણ નાખુશ છે અને તેમણે કહ્યું કે જાહેર જીવનમાં નીતિશાસ્ત્ર અને મૂલ્યોને લઈને ચાલ્યો છું અને આ કમનસીબી છે કે તે મૂલ્યોની અવગણના કરવામાં આવી રહી છે.

ઉમેશ કટ્ટી પણ આઠ ટર્મથી ધારાસભ્ય છે જ્યારે બસવરાજ પાટીલ યતનાલ પૂર્વ કેન્દ્રીય પ્રધાન છે. અન્ય વરિષ્ઠ નેતાઓ સિવાય શપથ ગ્રહણમાં તેમની ગેરહાજરી પણ ભવિષ્યમાં કર્ણાટકમાં ભાજપ સરકાર પર અસર કરે તેવી સંભાવના છે. અન્ય ભાજપના નેતાઓએ પણ નોંધ્યું હતું કે રાજ્યના દરિયાકાંઠાના કર્ણાટક અને હૈદ્રાબાદ-કર્ણાટકનું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી અને કેટલીક જાતિઓની પણ મંત્રી મંડળમાં અવગણના કરવામાં આવી છે.