ચંદ્રબાબુ નાયડૂને મોટો ફટકો, 60 નેતા અને હજારો કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા

ચંદ્રબાબુ નાયડૂની તેલુગુ દેશમ પાર્ટીના લગભગ 60 નેતા અને તેમના હજારો સમર્થકો પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. આ તમામ નેતાઓ અને કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધું હતું. નડ્ડાએ કહ્યું કે, સંગઠનની ચૂંટણી પ્રક્રિયા સપ્ટેમ્બરથી શરૂ થશે અને 31મી ડિસેમ્બર પહેલા ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી લેવાશે.

જૂનમાં ભાજપમાં આવેલા લંકા દિનકરે કહ્યું કે, અમારા આંધ્રપ્રદેશ અને તેલંગાણા એકમ માટે આ સારો સંકેત છે. આજે હજારો કાર્યકર્તા ભાજપમાં સામેલ થયા છે. જેમાં ઘણા રાષ્ટ્રીય સ્તરના મોટા માથાઓ પણ સામેલ છે. સરકારના ત્રણ તલાક વિરોધી કાયદો બનાવવા અને કલમ 370 હટાવવાના નિર્ણય બાદ હવે ઘણા નેતાઓ ભાજપમાં જોડાવા માગે છે.

જેપી નડ્ડાએ ભાજપના સંગઠનની ચૂંટણી અંગે કાર્યકર્તાઓને કહ્યું કે, સપ્ટેમ્બરમાં દેશભરના ૮ લાખ બૂથ પર ચૂંટણી કરાવશે. ત્યારબાદ ઓક્ટોબરમાં મંડળ સ્તર પર પ્રતિનિધિઓની ચૂંટણી કરવામાં આવશે. નવેમ્બરમાં જિલ્લાસ્તરે ચૂંટણી યોજાશે. 15 ડિસેમ્બર સુધી તમામ રાજ્યોમાં સંગઠનની ચૂંટણી પ્રક્રિયા પુરી થઈ જશે. ત્યારબાદ ભાજપને 31 ડિસેમ્બર પહેલા નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પણ મળી જશે.