જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને નાબુદ કરવામાં આવ્યા બાદ સાવચેતીના પગલારૂપે બંધ કરવામાં આવેલી કાશ્મીર ખીણની તમામ સ્કૂલો આજે ખુલી ગઇ હતી. સઘન સુરક્ષા વચ્ચે 190 સ્કૂલોને ખોલી દેવામાં આવી છે.
કલમ 370ને દુર કરવામાં આવે તે પહેલા શ્રીનગરમાં પ્રાઇમરી સ્કુલો બંધ કરવામાં આવી હતી. આજે તમામ સ્કૂલો ખુલી ગઇ છે. કોઇ પણ અવ્યવસ્થાને ટાળવા માટે સેના સહિત અન્ય સુરક્ષા દળોને 24 કલાક ગોઠવી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યુ છે કે જેમ જેમ સ્થિતી સામાન્ય બનશે તેમ તેમ સ્કૂલોમાં અભ્યાસને શરૂ કરી દેવામાં આવશે. એક દિવસ પહેલા જ આ તમામ વિસ્તારોમાં ઓછી ઝડપ સાથે ટુજી મોબાઇલ ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર કલમ 370ને નાબૂદ કરવામાં આવ્યા બાદ તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લડાખમાં વિભાજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એક દિવસ પહેલા જ ચોથી ઓગસ્ટના દિવસે પણ કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. જમ્મુ ક્ષેત્રના પાંચ જિલ્લામાં ટુજી મોબાઇલ ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવ્યા બાદ જમ્મુના પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહે ચેતવણી આપતા કહ્યું હતું કે, સોશિયલ મિડિયા ઉપર બોગસ સંદેશા અને વિડિયો પ્રસારિત કરનાર સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે.
બીજી બાજુ જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ફેસબૂક ઉપર જાહેર વ્યવસ્થા માટે ખતરા તરીકે હોવાની વાત કરનાર બે લોકોની સામે કેસ કરવામાં આવ્યો છે. આ બે શખ્સોની ઓળખ અતીક ચૌધરી અને ફારુક ચૌધરી તરીકે થઇ છે. કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે તમામ પ્રયાસ થઇ રહ્યા છે.