ગુજરાતી કલાકારોનો ભાજપમાં ગાડરીયો પ્રવાહ, બંકિમ પાઠક સહિત આ કલાકારો જોડાયા ભાજપમાં

ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત કેટલાંક નામાંકિત કલાકારો ભાજપમાં જોડાયા છે. રાજ્યનાં ૧૫ જેટલાં નામાંકિત કલાકારો ભાજપમાં જોડાયા છે. આ કલાકારોમાં હેમંત ચૌહાણ, લોકગાયિકા સંગીતા લાબડિયા, લોકસાહિત્યકાર ગોપાલદાન બારોટ, ગાયક બંકિમ પાઠક, લોકસાહિત્યકાર અમુદાન ગઢવી, બ્રિજરાજ લાબડીયા, બટુક ઠાકોર, કિરીટદાન ગઢવી, ગુજરાતી ફિલ્મ નિર્માતા રાજેશ ઠક્કર, આરીફ મીર, જીતુ ઠક્કર સહિતના કલાકારો ભાજપમાં જોડાયા છે.

આ મામલે ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ કરતા જણાવ્યું કે, ’ભાજપ સદસ્યા અંતર્ગત કલાકારો ભાજપમાં જોડાયા છે. ભાજપ વિચારમાંથી ઊભી થયેલી પાર્ટી છે. અન્ય પાર્ટી આંદોલનમાંથી ઊભી થઈ છે અને ભાજપ વિચારોથી બનેલી પાર્ટી છે. સંસ્કૃતિની ધરોહર અને સમાજ માટે કલાકારોનો ખૂબ મોટો રોલ છે.

ઉલ્લેખનીય છે કે તમને વધુમાં જણાવી દઇએ કે આ અગાઉ પણ ભાજપમાં કમલમ્‌ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ખાસ ઉપસ્થિતિમાં ગુજરાતનાં કેટલાંય નામી-અનામી કલાકારોએ ભાજપમાં સભ્યપદ પ્રાપ્ત કર્યું હતું. પક્ષના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી તથા પ્રવક્તા ભરત પંડ્યાએ આ તમામ કલાકારોને ભાજપને ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતાં. જેમાં કલાકારોની વાત કરીએ તો તેમાં અરવિંદ વેગડા, એશ્વર્યા મજમુદાર, કિંજલ દવે , સૌરભ રાજ્યગુરૂ, પ્રાંજલ ભટ્ટ, પાર્થ ઠક્કર તેમજ પૂજા પ્રજાપતિ સહિતનાં ધણા બધાં કલાકારો ભાજપમાં જોડાયા હતાં.

ઉપરાંત આ અગાઉ કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં હાસ્ય કલાકાર સુખદેવ ધમેલિયા, ઘનશ્યામ લાખાણી અને અલ્પેશ પટેલ, હિતેશ અટળા, દેવાંગી પટેલ, કિરણ ગજેરા, સંજય ધામલિયા અને સંજય સોજીત્રાએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.