રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે પાકિસ્તાનની સાથે વાતચીત ત્યાં સુધી સંભવ નથી જ્યાં સુધી તે આતંકવાદને સહયોગ અને પ્રોત્સાહિત કરવાનું બંધ કરશે નહીં. રાજનાથસિંહે રવિવારે કહ્યું કે જો પાકિસ્તાન સાથે વાતચીત થશે તો માત્ર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર જ થશે, અન્ય કોઈ મુદ્દા પર વાતચીત થશે નહીં.
વિધાનસભાની ચૂંટણી પહેલાં હરીયાણામાં ભાજપની જન આશિર્વાદ રેલીને લીલીઝંડી આપતી વેળા રાજનાથસિંહે ઉપરોક્ત નિવેદન કર્યું હતું.
રેલીને સંબોધતા તેમણે કહ્યું કે જો પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારની મંત્રણા કરવાની આવશે તો પહેલાં તેણે આતંકવાદને મદદ કરવાનું બંધ કરવું પડશે. તેમણે સવાલ કર્યો કે અમે પાકિસ્તાન સાથે ક્યા મુદ્દા પર વાતચીત કરીએ અને શા માટે કરીએ. બંધારણની કલમ 370ની મોટાભાગની જોગવાઈઓને ખતમ કરવા અંગે તેમણે કહ્યું કે ભારતના આ પગલાથી પાડોશી દેશ કમજોર થયો છે અને તેની ચિંતા વધી ગઈ છે.
રાજનાથસિંહે કહ્યું કે પાકિસ્તાન દરેકનો દરવાજો ખખડાવી રહ્યો ચે અને પોતાને બચાવવા માટે વિભિન્ન દેશોનો સહયોગ માંગી રહ્યો છે. તો પ્રશ્ન છે અમે શો અપરાધ કર્યો છે. અમને શા માટે ધમકી આપવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાએ પાકિસ્તાનને ઝટકો આપી દીધો છે અને ભારત સાથે મંત્રણા કરવાનું કહી દીધું છે.
તેમણે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદના માધ્યમથી ભારતને અસ્થિર અને નબળો પાડવા માંગે છે પણ તે સફળ થતો નથી અને અમારા 56 ઈંચની છાતીવાળા પીએમ મોદીએ દેશને બતાવી દીધું છે કે નિર્ણય કેવી રીતે લેવામાં આવે છે. પુલવામા હુમલા બાદ દેશની વાયુસેનાએ બાલાકોટ પર હુમલો કર્યો હતો અને ખુદ પાકિસ્તાનના પીએમ ઈમરાનખાને કહ્યું હતું કે ભારત બાલાકોટમાં હુમલાની તૈયારી કરી રહ્યું છે.આનો મતલબ સીધો છે કે બાલાકોટ પર હવાઈ હુમલો થયો હતો.