જમ્મૂ સહિત પાંચ જિલ્લામાં મોબાઈલ અને ઈન્ટરનેટ ફરી બંધ કરાયા

જમ્મૂ-કાશ્મીરમાં અફવા બજાર ગરમ થતાં રવિવારે ફરી એક વાર પાંચ જિલ્લામાં મોબાઈલ અને 2-જી સ્પીડે શરૂ કરાયેલી ઈન્ટરનેટ સર્વિસને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક દિવસ પહેલાં જ આ સેવાઓને બહાલ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે સંબંધિત અધિકારીઓએ આ સેવા બંધ કરવાના નિર્દેશ આપ્યા છે.

અધિકારીઓએ મીડિયાને કહ્યું કે અફવાને પ્રસરતી અટકાવવા અને રાજ્યમાં શાંતિની સ્થિતિ જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લગભગ 12 દિવસના અંતર બાદ શુક્ર અને શનિવારે રાત્રે જમ્મૂનાં સાંબા, કઠુઆ, ઉધમપુર અને રિયાસી જિલ્લાઓમાં ઓછી સ્પીડે મોબાઈલ અને ઈન્ટરેન્ટ સેવા શરૂ કરવામાં આવી હતી.

કેન્દ્ર દ્વારા જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 રદ્દ કર્યા બાદ બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજન કરવામાં આવ્યું છે અને ચોથી ઓગષ્ટથી મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

મોબાઈલ અને ઈન્ટરનેટ બંધ કર્યા બાદ કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો હતો. પણ બાદમાં તબક્કાવાર પ્રતિબંધોમાં રાહત આપવામાં આવી હતી. જમ્મૂના પોલીસ મહાનિરીક્ષક મુકેશસિંહે ચેતવણી આપી હતી કે સોશિયલ મીડિયા પર બોગસ મેસેજ અથવા વીડિયો પ્રસારિત કરનાર વ્યક્તિ વિરુદ્વ સખત કાર્યવાહી કરવામાં આવશે.