રાજકોટ કોંગ્રેસની જૂથબંધી વ્હોટ્સ ગ્રુપમાં ભડકો કરી ગઈ, આ કારણે બંધ કરવું પડ્યું ગ્રુપ

કોંગ્રેસમાં વારે છાશવારે જૂથબંધી ઉથલો મારતી રહે છે. આ વખતે રાજકોટના કોંગ્રેસના વ્હોટ્સઅપ ગ્રુપમાં કોંગ્રેસની વરવી જૂથબંધી સામે આવી છે. સૂત્રો મુજબ ચર્ચા એટલી બધી ઉગ્ર બની ગઈ હતી કે છેવટે વ્હોટ્સઅપ ગ્રુપને જ બંધ કરવાની ફરજ પડી હતી.

રાજકોટ કોંગ્રેસના વિવિધ કાર્યક્રમોમાં આઈટી સેલના હોદ્દેદારો અને કાર્યકરોની ઉપેક્ષા થતી હોવાના આક્ષેપ બાદ શહેર કૉંગ્રેસમાં ભડકો થયો હતો. અંદરોઅંદરની લડાઈના પગલે સોશિયલ મીડિયા માટે બનાવવામાં આવેલું વોટ્સએપ ગ્રુપ બંધ કરવું પડ્યું હતું. બહાદુરસિંહ ઝાલા નામના કૉંગ્રેસી કાર્યકરે આક્ષેપ કર્યો હતો કે પક્ષના વિવિધ કાર્યક્રમોમાં આઈ.ટી. સેલના હોદ્દેદારો અને કાર્યકરોની ઉપેક્ષા કરવામાં આવી રહી છે.

કૉંગ્રેસી કાર્યકરે એવી પણ ટિપ્પણી કરી હતી કે શહેર કૉંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર ફરીથી ભાજપમાં નહીં જતા રહે તેની શું ખાતરી? જો તેઓ સાચા કૉંગ્રેસી હોય તો આ અંગે કોર્ટમાં સોગંદનામું કરાવે. ગત વર્ષે રાજકોટ શહેરના પૂર્વ મેયર અશોક ડાંગરે ભાજપમાંથી રાજીનામું ધરી દીધું હતું. અશોક ડાંગર કૉંગ્રેસ પક્ષમાંથી અઢી વર્ષ સુધી રાજકોટ મનપાના મેયર પદે રહી ચૂક્યા હતા અને કૉંગ્રેસના પૂર્વ પ્રધાન તેમજ પીઢ નેતા મનોહરસિંહજી જાડેજા જૂથના હતા. નરેન્દ્ર મોદીના કહેવાથી તેઓ કૉંગ્રેસ છોડીને ભાજપમાં ચાલ્યા ગયા હતા.