આજે દેશમાં પારસીઓના નૂતન વર્ષ ગણાતા પતેતીના પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે આશ્ચર્યની વાત છે કે, વસ્તી વધારાની બુમરાણ વચ્ચે પારસીઓની વસ્તી સતત ઘટી રહી છે. માત્ર રાજકોટની વાત કરવામાં આવે તો 8 હજારમાંથી 14 પારસીઓ જ બચ્યા છે. જો કે દેશમાં હાલ એકાદ લાખ પારસીઓની વસ્તી છે. પણ આ સંખ્યા અન્ય જ્ઞાતિઓની સરખામણીએ ઘણી ઓછી છે. ત્યારે સરકાર દ્વારા પણ આ સમાજની વસ્તી વધારવા પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ તેમાં કોઈ ખાસ સફળતા મળી નથી.
લગ્ન ન કરવાની આદતને કારણે વસ્તીમાં સતત ઘટાડો
અગાઉ શહેરના સદર વિસ્તારમાં પારસીઓની બહોળી વસ્તી હતી. અને આ સમગ્ર વિસ્તાર પારસીવાડા તરીકે ઓળખાતો હતો. અહીં 1835માં અગિયારીની સ્થાપના કરવામાં આવી હતી. પારસી ડો.દસ્તુરને આખું રાજકોટ ઓળખતું અને વાહનોના બોડી બિલ્ડિંગમાં ટોચનું સ્થાન ધરાવતા ફરહામ વાડિયાનો એજી ઓફિસ પાસે આવેલો બંગલો પણ ખૂબ જાણીતો હતો. પરંતુ લગ્ન ન કરવાની પારસીઓની આદતને કારણે તેમની વસ્તીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
પારસી અગિયારીમાં 184 વર્ષથી પ્રજ્વલિત છે અખંડ દીપ
પારસી અગિયારીને જ પારસીઓ મંદિર કહે છે. હાલના પૂજારી કેરસી એરચશાહ ખાનસાહેબના કહેવા અનુસાર અહીં 1835માં અગ્નિ પ્રજ્વલ્લિત કરાયો હતો, જે આજે 184 માં વર્ષે પણ અખંડ છે. આ અગ્નિ અખંડ રહે તે માટે સુખડ, કાચો લોબાન તેમજ મગફાડા(કાષ્ટ)નો ઉપયોગ કરવામાં આવે છે. મંદિરની અંદર આવેલા 70 ફૂટ ઉંડા કૂવાનું પાણી ક્યારેય ખૂટ્યું નથી. ધર્મગુરુના અભાવે અંતિમવિધિ માટે અન્ય શહેરમાં જવું પડે છે.
8 હજારમાંથી વધ્યા માત્ર 14 લોકો
પારસી પરંપરામાં 12 થી 17 ઓગસ્ટ સુધી મુખતાદના ગાંઠા(પિતૃદિવસો) ગણાય છે. ત્યારબાદ 17 ઓગસ્ટના રોજ નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ખાસ 7 થી 11 વર્ષની વય સુધીના પારસી બાળકોને જ જનોઇ આપવામાં આવે છે. શહેરના કુવાડવા રોડ પરનું પારસી સમાજનું સ્મશાન હાલ બંધ છે. પણ તેમાં હાલ ધર્મગુરુ નહીં હોવાથી અંતિમવિધિ માટે પારસીઓને અમદાવાદ સહિત અન્ય શહેરમાં જવું પડે છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં પારસી અગિયારીનો વહીવટ પેઢી દર પેઢી ધર્મગુરુઓ સંભાળતા છેલ્લાં ધર્મગુરુ પરામરોઝ દસ્તુરના નિધન બાદ કોઇ ધર્મગુરુ નથી.
અનેક સ્થળે છે સમાજની કરોડોની જમીન
પૂજારી કેરસી એરચશાહ ખાનસાહેબના કહેવા મુજબ, સદર વિસ્તાર એક સમયે પારસીવાડા તરીકે ઓળખાતો હતો. અને હાલના ભીલવાસમાં ઇગલ પેટ્રોલપંપ સામે 3 એકરમાં પથરાયેલું બાળકો માટેનું સ્મશાન આવેલું છે. જો કે હાલમાં તેનો ઉપયોગ થતો નથી. ઉપરાંત કિસાનપરા ચોકમાં પણ પારસી સમાજની વિશાળ જમીન આવેલી છે. રાજકોટમાં જન્મ લીધો હોય તેને જ અગિયારીમાં પ્રવેશ આપવામાં આવે છે. એવા માત્ર 7 પરિવારના 14 લોકો જ છે. આ સિવાય નોકરી-વ્યવસાય માટે રાજકોટ રહેતા પારસીઓની સંખ્યા 40 આસપાસ હોવાનું તેમણે જણાવ્યું હતું.