UNમાં કાશ્મીર મુદ્દે પાક-ચીન એકલા પડ્યાઃ ભારતને બ્રિટન,અમેરિકા,ફ્રાંસનું સમર્થન

યુનાઈટેડ નેશન્સ(UN)ની સિક્યુરિટી કાઉન્સિલની કાશ્મીર મુદ્દે બંધ બારણે મળેલી બેઠકમાં પણ પાકિસ્તાનને પછડાટ મળી છે.

પાકિસ્તાનની પહેલ પર સિક્યુરિટી કાઉન્સિલના સ્થાયી સભ્ય ચીને બંધ બારણે ચર્ચા કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. એ પછી ભારતીય સમય પ્રમાણે શુક્રવારે રાતે આ બેઠક મળી હતી. જેમાં રશિયાએ હંમેશની જેમ ભારતનુ સમર્થન કર્યુ હતુ. રશિયાએ કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાન દ્રિપક્ષીય વાતચીતથી ઉકેલે તેવુ નિવેદન આપ્યુ હતુ.

બીજી તરફ ચીને પાકિસ્તાનની ભાષા બોલતા કહ્યુ હતુ કે, કાશ્મીરમાં ખતરનાક હાલત છે. જોકે, એ સિવાયના સ્થાયી સભ્યો પૈકી ફ્રાંસ, બ્રિટન અને અમેરિકાએ પણ કાશ્મીરને ભારતનો આંતરિક મામલો ગણાવીને બંને દેશોને વાટાઘાટો કરવાની સલાહ આપી છે.

સિક્યુરિટી કાઉન્સિલમાં પાંચ સ્થાયી અને ૧૦ અસ્થાયી સભ્યો છે. આ પૈકીના મોટાભાગના દેશ ભારતની સાથે જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ૧૯૭૧ બાદ પહેલી વખત યુએનમાં કાશ્મીર મુદ્દે બેઠક મળી હતી.