મુંબઈનો કમાઠીપુરા: જ્યાં રાત પડેને શરીરના સૌદા થાય છે ત્યાં આજે રૂપજીવિનીઓને ઘર ખર્ચનાં છે ફાંફાં

મુંબઈના બહુચર્ચિત રેડ લાઈટ એરિયા કમાઠીપુરાને છોડીને સેક્સ વર્કરો(રૂપજીવિનીઓ) અન્ય વિસ્તારોમાં શિફ્ટ થઈ રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઓછી આવક અને રિઅલ એસ્ટેટના વધી રહેલા ભાવના કારણે રૂપજીવિનીઓ કમાઠીપુરાને છોડવા માટે મજબૂર થઈ ગઈ છે. એક સેક્સ વર્કરે કહ્યું કે મોટી સંખ્યામાં સેક્સ વર્કર મુંબઈના પરા વિસ્તારોમાં શિફ્ટ કરી ગઈ છે.

એએનઆઈના રિપોર્ટ મુજબ આરતી નામની સેક્સ વર્કરે કહ્યું કે કમાઠીપુરામાં ઘર ખર્ચ કાઢવાનું પણ દુષ્કર બની ગયું છે. હવે તે થાણેમાં રહે છે અને લાંબું અંતર કાપીને મુંબઈ આવવું પડે છે. ભાડા વધી રહ્યા છે પણ આવક વધી રહી નથી.

તેણે કહ્યું કે પરિવારની સારસંભાળ રાખવાની રહે છે અને આના માટે જે કમાણી થાય છે તે ઓછી પડી રહી છે. અન્ય સેક્સ વર્કરે કહ્યું કે મોટી સંખ્યામાં મહિલાઓ કાંદિવલી, કલ્યાણ અને તેની આજુબાજુના વિસ્તારોમાં શિફ્ટ થઈ ગઈ છે.

સોશિયલ એક્ટવિટીઝ ઈન્ટીગ્રેશન નામની સંસ્થાના ડાયરેક્ટર વિનય વત્સે કહ્યું કે કમાઠીપુરામાં ઓછી આવક ધરાવતી સેક્સ વર્કરો રહે છે. કેટલીક મહિલાઓ મોંઘા ભાડા આપી શકવા અસમર્થ હોય ચે અને તે નાલાસોપારા, તુર્ભે અને વશી જેવા વિસ્તારોમાં જતી રહી છે.

વિનય વત્સે મીડિયાને વધુમાં કહ્યું કે 1990 દાયકામાં તેઓ સેક્સ વર્કર સાથે કામ કરી રહ્યા હતા. પણ પાછલા 20 વર્ષમાં મકાનનાં ભાડાં વધી ગયા છે. હવે 15 હજારની આસપાસ મહિનાનું ભાડું ચૂકવવાનું આવે છે.

કમાઠીપુરા મુંબઈ સેન્ટ્રલમાં આવે છે અને આસપાસ બિઝનેસ ઓફીસો વધી ગઈ હોવાથી ભાડા પણ વધી ગયા છે. રિઅલ એસ્ટેટ ડેવલોપર્સની નજર કમાઠીપુરાની સેક્સ વર્કરોની ઓરડીએ પર મંડરાયેલી છે.

સેક્સ વર્કરના મુદ્દે કામ કરતા એક્ટર જે.બ્રાન્ડે હિલે કહ્યું કે આ એક દુખદ બાબત છે કે ભાડાં વધી જવાના કારણે સેક્સ વર્કરોને અન્ય જગ્યાએ શિફટ થવાનો વારો આવી રહ્યો છે. આશા રાખીએ કે આવનાર દિવસોમાં સ્થિતિ સામાન્ય થઈ જશે.

કમાઠીપુરાને દેશનું સૌથી મોટું રેડ લાઈટ એરિયા માનવામાં આવે છે. અંદાજે 25 વર્ષ પહેલાં અહીંયા 50 હજાર સેક્સ વર્કર રહેતી હતી પણ ઉત્તરોઉત્તર હવે સેક્સ વર્કરોની સંખ્યામાં ઘટાડો થયો છે. આની પાછળ સામાજિક જાગૃતિ પણ મહત્વું કારણ છે.