ગુજરાતના મંત્રી વાસણ આહિરે બે મીનીટનું મૌન પાળી અરુણ જેટલીને આપી શ્રધ્ધાંજલિ, માહિતી ખાતાએ પ્રેસનોટ પણ ઈશ્યુ કરી દીધી

ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ અને પ્રવાસનના રાજ્યકક્ષાના મંત્રી વાસણ આહિરે પૂર્વ કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીને શ્રધ્ધાંજલિ આપી દીધી છે. હજુ અરુણ જેટલી દિલ્હીની એઈમ્સમાં જીવન-મરણ વચ્ચે જંગ ખેલી રહ્યા છે ત્યારે ભાજપના જવાબદાર મંત્રીએ આવી રીતે જીવિત વ્યક્તિ અને એ પણ પોતાના જ પક્ષના વરિષ્ઠ નેતાનું નિધન થયું હોવાનું જણાવી શ્રધ્ધાંજલિ આપી દેતા ભારે હંગામો થયો છે.

વાત છે બિદડા તાલુકના કડવા પાટીદાર સમાજવાડીમાં ખેડુત તાલીમ કેન્દ્ર ભૂજ દ્વારા કચ્છના ખેડુતોને કૃષિ લક્ષી આધુનિક મશીનરી અંગે માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વાસણ આહિરે રૂપાણી સરકારની ખેડુત લક્ષી યોજનાઓનો ચિતાર આપ્યો હતો. કાર્યક્રમમાં કડવા પાટીદાર સમાજના પ્રમુખ મણલીલા ભગત પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત પ્રગતિશીલ ખેડુતો મણીલાલ ભગત. મણીલાલ કેસરા, દેવશી રતનશી સેંઘાણી, ભવાનજી રામાણી અને અવનિબેન ભગતને સન્માન પત્ર અર્પણ કર્યા હતા.

આ છે માહિતી ખાતની પ્રેસનોટ…

કાર્યક્રમમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, એપીએમસીના ચેરમેન પ્રવીણ વેલાણી, ધારાસભ્ય રમેશ મહેશ્વરી  વગેરે હાજર રહ્યા હતા. માહિતી ખાતાની પ્રેસનોટમાં જણાવ્યા મુજબ કાર્યક્રમના અંતે મંચસ્થ મહાનુભાવો, ખેડુતોએ પૂર્વ કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીના દુખદ અવસાન બદલ ઉભા રહીને બે મીનીટનું મૌન પાળી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.