કપિલ દેવની કમિટીનો નિર્ણય, રવિ શાસ્ત્રીને ફરી બનાવ્યા ટીમ ઈન્ડીયાના કોચ

કપિલ દેવની આગેવાનીવાળી ક્રિકેટ સલાહકાર સમિતિએ ભારતીય ક્રિકેટ ટીમના કોચના નામની જાહેરાત કરી દીધી છે. CACએ હાલના કોચ રવિ શાસ્ત્રીને તેમના આ પદ પર જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. રવિ શાસ્ત્રી 2021ના ટી20 વર્લ્ડ કપ સુધી ટીમ ઈન્ડિયાના કોચ રહેશે. ક્રિકેટ સલાહકાર સમિતિમાં ભારતીય મહિલા ટીમની પૂર્વ કેપ્ટન શાંતા રંગાસ્વામી અને પુરષ ટીમના પૂર્વ કોચ અંશુમાન ગાયકવાડ સામેલ છે. જેમણે કોચના પદ માટે ઈન્ટરવ્યૂ લીધા.

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિએ ભારતીય ક્રિકેટ ટીમના કોચને સિલેક્ટ કરવાની જવાબદારી ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિને આપી હતી. કોચના પદ માટે BCCI પાસે લગભગ 2000 અરજીઓ આવી હતી અને તેમાંથી 6 ઉમેદવારોના નામ શોર્ટલીસ્ટ કરાયા હતા. તેમાં ટોમ મૂડી, રવિ શાસ્ત્રી, રોબિન સિંહ, લાલચંદ રાજપૂત, માઈક હેસન અને ફિલ સિમંસ સામેલ હતા. જેમાં કોચની રેસમાં રવિ શાસ્ત્રી પહેલાંથી જ આગળ ચાલી રહ્યાં હતા.

પૂર્વ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રી વર્ષ 2014થી 2016 સુધી ભારતીય ટીમના નિર્દેશક રહ્યા હતા જ્યારે 2017માં અનિલ કુંબલે પદ પરથી હટ્યા બાદ તેમને ટીમના હેડ કોચ બનાવાયા હતા. તેમના આ બંન્ને કાર્યકાળમાં ભારતીય ટીમે વિશ્વ કપ રમ્યા, પરંતુ 2015 અને 2019માં ટીમ સેમીફાઇનલમાં હારી ગઈ હતી.