આનંદો: સુરતની ક્રિકેટમાં મોટી છલાંગ, મળી ઈન્ટરનેશનલ લેવલની પાંચ ડે એન્ડ નાઈટ T-20 મેચ

પાછલા કેટલાક વર્ષોથી સુરત ક્રિકેટ એસોસિએશનની માંગ હતી કે સુરતમાં ઈન્ટરનેશનલ કક્ષાની મેચો રમાડવામાં આવે પણ કેટલાક ટેક્નિકલ કારણોસર સુરતને બીસીસીઆ દ્વારા ઈન્ટરનેશનલ કક્ષાની મેચ તો શું આઈપીએલની સમખાવા પુરતી એક મેચ પણ આપવામાં આવતી નથી ત્યારે સુરતીઓ માટે આનંદના સમાચાર છે કે બીસીસીઆઈએ એક બે નહીં પણ પાંચ-પાંચ T-20 મેચ સુરતને ફાળવી આપી છે. જોકે, આઈસીસી દ્વારા વર્લ્ડ ક્લાસની મેચો માટે સુરતની પસંદગી કરવામાં આવી રહી નથી, તે બાબત સુરતીઓ માટે જરૂર નિરાશાજનક બની રહેવા પામી છે.

સુરત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટરે માહિતી આપતા કહ્યું કે સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડીમ ખાતે સપ્ટેમ્બર મહિનામાં એક સાથે પાંચ ટી-20 મેચ રમવામાં આવશે. પંદરમી સપ્ટેમ્બરે મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. બીસીસીઆઈ દ્વારા સુરત ક્રિકેટ એસોસિએશનને આ અંગેની માહિતી આપવામાં આવી છે.

તેમણે કહ્યું કે ડે એન્ડ નાઈટ વન ડે રહેશે અને પાંચેટ મેચ ટી-20 છે. મોટાભાગે 20 ઓવરની મેચ હોવાનું સંભવી શકે છે. પાંચ દિવસ સુધી ચાલનારી આ ટી-20 સિરીઝ દક્ષિણ આફ્રીકાની ટીમ સાથે રમવામાં આવશે. દ.આફ્રીકાની ટીમ સુરતની મહેમાન બનશે. આમ સુરતનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે બીસીસીઆઈએ આ પાંચ ટી-20 ઉપરાંત દેવધર ટ્રોફી અને મુસ્તાક અલી ટી-20 તથા મુસ્તાક અલી ટ્રોફી પણ સુરતને ફાળવી આપી છે. હવે સુરતમાં ક્રિકેટની ધમાધમી થશે અને એક પછી એક ક્રિકેટ ઈવેન્ટથી સુરત ધમધમતું થઈ જવાનું છે.