મહીસાગરમાં ધ્વજ વંદન કાર્યક્રમમાં હાજર રહેવા ગયેવા બે વિદ્યાર્થીઓને વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ કમકમાટીપૂર્ણ મોત નિપજ્યુ હતું. શાળાના સંચાલકોની બેદરકારી સામે ગામલોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં આવેલા કેનપુર ગામની હાઈસ્કૂલમાં ધ્વજ વંદનની પાઇપ વિધાર્થી પાસે ઉભી કરવામાં આવી હતી. પાઈપમાં વીજ કરંટ હતો અને શાળાના સંચલાકો દ્વારા એ તરફ ઘોર બેદરકારી દાખવવામાં આવી હતી. બન્ને બાળકો ધ્વજ વંદન કરવા પહોંચ્યા હતા અને ઝંડાને લહેરાવવા માટે ઉભા કરાયેલા લોખંડના પાઈપમાંથી પસાર થઈ રહેલો વીજ કરંટ લાગત બન્ને બાળકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.
બન્ને વિદ્યાર્થીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ધ્વજ વંદન કરવા આવેલા બન્ને બાળકો ધ્વજને આખરી સલામી પણ આપી શક્યા ન હતા. બાળકોના નામ દિપક રાણા અને ગણપત વળવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઘટનાની જાણ કેનપુર ગામમાં વાયુવેગે પ્રસરી જતાં સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. શાળાની બેદરકારીને લઈ ગામ લોકોમાં ખાસ્સો રોષ જોવા મળી રહ્યો છે અને શાળાના સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.