કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવી દેવાયા પછીથી ભારતના આ આતંરિક મામલામાં કારણ વગરનો ચંચુપાત કરી રહેલા પાકિસ્તાનને દુનિયાભરમાંથી જાકારો મળી રહ્યો છે, ત્યારે હવે પાક કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં બાલાકોટથી પણ મોટી કાર્યવાહી ભારત કરશે, તેવો ડર પાકને સતાવી રહ્યો છે.
પાકિસ્તાનના સ્વાંતત્ર્ય દિવસ પ્રસંગે પીઓકેની વિધાનસભાને સંબોધતાં પાક વડાપ્રધાન ઇમરાન ખાને વધુ એકવાર ભારતને પોકળ ધમકી આપીને જણાવ્યું હતું કે, યુદ્ધ થાય તો અમારી સેના તૈયાર છે. એટલું જ નહીં, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો વિશ્વ સમુદાય જવાબદાર રહેશે, તેવી છીછરી ટિપ્પણી પણ ખાને કરી હતી.
કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રણનીતિક ભૂલ કરી છે. કાશ્મીરમાંથી કફર્યુ હટશે પછી શું થશે તેનો આપણને સૌને ભય છે, તેવું ઇમરાને કહ્યું હતું. શું જરૂર હતી, આટલી મોટી ફોજ ઉતારો, પછી પર્યટકોને બહાર કાઢી નાખો. કાશ્મીરમાં આ શું કરવા જઇ રહ્યા છે, આ મોદી અને ભાજપને ભારી પડશે, તેવી પોકળ ધમકી તેમણે આપી હતી. ઇમરાને કહ્યું હતું કે, અમારી પાસે જાણકારી આવી છે. ભારતે ‘આઝાદ કાશ્મીર’ (પીઓકે)માં બાલાકોટથી પણ ઘાતક હુમલાની યોજના ઘડી છે.
વિશ્વભરમાં પછડાટ ખાધા પછીયે પાકની પૂંછડી વાંકી હોવાની પ્રતીતિ કરાવતાં ખાને કહ્યું હતું કે, ઇંટનો જવાબ ભારતને પથ્થરથી આપવા પાકની ફોજ તૈયાર છે.
ભારતના નિર્ણયને રોળી નાખવાના પ્રયાસમાં વિશ્વના અગ્રીમ દેશોએ ઠેંગો બતાવ્યા છતાં એવું જણાય છે કે પાક એમ ઝટ તેની આ મથામણો પડતી મૂકવા તૈયાર નથી અને તેનો તાજો મરણિયો પ્રયાસ છે સંયુકત રાષ્ટ્રસંઘ (યુનો)ની સલામતી સમિતિ સમક્ષ લેખિત રજૂઆતનો. સમિતિને પાઠવેલા પત્રમાં ઈસ્લામાબાદે, કલમ 370 રદ કરવાના અને જમ્મુ કાશ્મીરની પુન:રચનાના નવી દિલ્હીના નિર્ણયની શકયતમ વહેલી ચર્ચા કરવા સમિતિનું ખાસ સત્ર યોજવાની માગણી કરી છે.
યુનોની સમિતિના હાલના અધ્યક્ષદેશ પોલેન્ડે પાકની એ ચિંતાની નોંધ લીધા છતાં આ પ્રશ્ને દ્વિપક્ષી ઉકેલનો અનુરોધ કરી ઉપેક્ષા કરી ચૂકયા છતાં કુરેશીએ નવેસરથી પ્રયાસ કર્યો છે.
અમેરિકા અને રુસ આ મામલે દરમિયાનગીરી કરવા ઈનકાર કરી ચૂકયા છે, સંયુકત આરબ અમીરાત આ ગતિવિધિને ભારતની આંતરિક બાબત ગણાવી ચૂકયુ છે, સાઉદી અરેબિયા, ઈરાન અને તૂર્કી જેવા મધ્ય પૂર્વના ચાવીરૂપ દેશોએ પણ આ ગતિવિધિનો મૂક પ્રતિસાદ આપ્યો હતો. તેમ જ ચીન પણ આ પ્રશ્ને નવી દિલ્હી સામે વાચાળ થવાથી દૂર રહ્યું છે.