ના-ના કરતાં સોનિયા ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બની ગયા અને ઘી ક્યાં ગયું તો ખીચડીમાં જેવો ઘાટ થયો છે. સિનિયર કોંગ્રેસીએની ડિમાન્ડ હતી કે કોંગ્રેસના પ્રમુખ પદે બિન ગાંધી વ્યક્તિ જરાય ચાલે એમ નથી અને એટલે જ સિનિયર કોંગ્રેસીઓએ રાહુલ ગાંધીની મક્કમતા વચ્ચે પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીનું નામ આગળ ધર્યું હતું.
રાહુલ ગાંધીની કોંગ્રેસ રિનોવેશનની ફોર્મ્યુલા પર લોટાઓ ભરીને પાણી રેડી દેવામાં આવ્યું છે, રાહુલ ગાંધીના સોફ્ટ હિન્દુત્વને ફેલ કરવામાં આવ્યું અને ત્યાર બાદ સંગઠનમાં પણ રાહુલ ગાંધીનું ધાર્યું થવા દેવામાં આવ્યું નહીં. રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસને નવેસરથી બેઠી કરવામાં આવી રહી હતી ત્યાં તો સિનિયર કોંગ્રેસીઓએ રાહુલ ગાંધીને એકલા મૂકી દીધા અને ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધીએ ઉઠાવેલા મુદ્દાઓનું સમૂળગી રીતે સૂરસૂરિયું થઈ ગયું અને કોંગ્રેસના સૂપડા સાફ થયા.
રાહુલ ગાંધીએ જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું પરંતુ એક પણ સિનિયર કોંગ્રેસીએ રાજીનામું આપ્યું નહીં ઉલ્ટાનું રાહુલ ગાંધી માટે પડતા પર પાટું મારવાના બદલે ડામ દેવા જેવું એ કર્યું કે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને પ્રમુખ બનાવવાની માંગ કરી અને તેના માટે લાંબા કસરત કરવામાં આવી. સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીના રાજીનામા બાદ પ્રમુખ બનવાનો ઈન્કાર કર્યો હતો પરંતુ સિનિયર કોંગ્રેસીઓ માટે સોનિયા ગાંધી જ એક માત્ર કોંગ્રેસમાં તારણહાર બની શકે એમ હતા. પ્રિયંકા ગાંધી પણ ક્યાંકને ક્યાંક સિનિયર નેતાઓનાં પરિમાણમાં ફીટ બેસી રહ્યા ન હતા અને છેવટે સોનિયા ગાંધીને કોંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
સોનિયા ગાંધીની નાદુરસ્ત તબિયત રહેતી હતી અને તેના કારણે તેમણે કોંગ્રેસ પ્રમુખ પદેથી પોતાની જાતને અળગી કરી રાહુલ ગાંધીને કમાન સોંપી હતી. રાહુલ ગાંધીએ ગુજરાત અને કર્ણાટકમાં ભાજપને જોરદાર ફાઈટ આપી તો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકારો બનતી જોવા મળી. પણ સિનિયર કોંગ્રેસીઓ માટે રાહુલ ગાંધીનું વધતું કદ ક્યાંક ક્યાંક તેમના માટે રાજકીય જોખમ ઉભૂં કરી રહ્યું હતું અને રાહુલ ગાંધી પ્રમુખ પદે ચાલુ રહ્યા હોત તો સિનિયર કોંગ્રેસીઓમાંથી ઘણા બધા નેતાઓ ભૂતકાળ બની ગયા હોત અથવા ભાજપ કે અન્ય પક્ષોમાં જતા રહ્યા હોત અથવા સિનિયર કોંગ્રેસીઓ બળવો કરતે.
ખૈર, સોનિયા ગાંધી પ્રમુખ બનતા ગાંધી પરિવારની સૌથી નિકટના નેતા તરીકે આજે પણ અહેમદ પટેલનું નામ આવે છે. ગુજરાતના ભરૂચના આ નેતાની પાસે ફરીથી કોંગ્રેસના સંગઠનનું રિમોટ કન્ટ્રોલ આવી ગયું છે. અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તરીકે રહી ચૂક્યા છે. કોંગ્રેસના સંગઠન માટે અહેમદ પટેલ નંબર-2ના સૌથી મજબૂત નેતા છે. હાલ તેઓ કોંગ્રેસના ખજનચી છે, પણ સોનિયા ગાંધીના પ્રમુખ પદ હેઠળ ફરી એક વાર અહેમદ પટેલનો સિક્કો પૂરજોશમાં ચાલશે એવું કોંગ્રેસી વર્તુળો કહી રહ્યા છે.
ગુજરાતમાં મોટા પ્રમાણમાં ફેરબદલ થઈ શકે છે અને પ્રમુખ પદે કાર્યરત અમિત ચાવડાના માથા પર લટકતી તલવાર જોવા મળી રહી છે. આ ઉપરાંત જિલ્લા અને શહેર પ્રમુખોમાં પણ લાંબા ફેરફાર થવાની શક્યતા જોવા મળી રહી છે.