બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાતા ગુજરાતમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, મધ્યગુજરાતના પંચમહાલ, દાહોદ, મહિસાગર તેમજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી જ્યારે તા.16 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા તથા મધ્યગુજરાતના અરવલ્લી, દાહોદ, મહિસાગરમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જો કે, અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માત્ર હળવા વરસાદી ઝાપટાની જ સંભાવના છે. આથી ભેજનું પ્રમાણ વધતા ઉકળાટ અને બફારો રહેશે.
દરમિયાન જળસંપત્તિ વિભાગના અહેવાલ અનુસાર, રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 84.09 ટકા વરસાદ થયો છે. જેના કારણે રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 40 જળાશયો છલકાયા છે. જ્યારે 30 જળાશયો 70થી 100 ટકા તેમજ 30 જળાશયો 50થી 70 ટકા વચ્ચે ભરાયા છે. આ ઉપરાંત 34 જળાશયો 25થી 50 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના 78.02 ટકા ભરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યના દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 101.42 ટકા વરસાદ થયો છે.
રાજ્યમાં હાલમાં 1000 ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતાં જળાશયોમાં સરદાર સરોવરમાં 89,584 ક્યુસેક, વણાકબોરીમાં 32,318, કડાણામાં 22.010, દમણગંગામાં 9,747, કરજણમાં 8,812, સુખીમાં 4,855, મચ્છુ-2માં 2,932, આજી-4માં 2,461, પાનમમાં 2,136, ઓજત-વિયર(વંશલી)માં 1,441, મચ્છુ-2માં 1,295, આજી-3માં 1,194 અને ઓઝત વિયરમાં 1,109 ક્યુસેકનો સમાવેશ થાય છે.
ઉત્તર ગુજરાતનાં 15 જળાશયોમાં 20.10 ટકા, મધ્ય ગુજરાતનાં 17 જળાશયોમાં 88.53 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 78.55 ટકા, કચ્છના 20 જળાશયોમાં 57.56 ટકા અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 50.36 ટકા, એમ રાજ્યના 204 જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો 67.93 ટકા એટલે કે 3,78,179.15 મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.