છેલ્લા ત્રણ વર્ષથી ઓછા વરસાદને કારણે નર્મદા ડેમ પૂરો છલકાય શકતો ન હતો. 2017માં સરદાર સરોવર ડેમની સર્વોચ્ચ સપાટી એટલે 138 મીટર સુધીના દરવાજા બંધ કરી દેવાયા હતા. ત્યારબાદથી નર્મદા ડેમમાં પાણીનો આવરો ઓછો રહ્યો હતો પરંતુ આ વખતે નર્મદા ડેમની સપાટી 132 મીટરને પાર કરી જતા ડેમ સાઈટ પર અદ્દભૂત નજારો જોવા મળી રહ્યો છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે નર્મદા ડેમના ઉપરવાસમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. મધ્યપ્રદેશમાં નર્મદા નદી પર આવેલા ઈન્દીરા સાગર, ઓમકારેશ્વર અને બરગી ડેમ છલકાઈ ગયા છે. જેના કારણે નર્મદા ડેમમાં પાણીની ભરપુર આવક જોવા મળી રહી છે.
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 132 મીટરને પાર કરી ગઈ છે. ડેમની જળ સપાટી 132. 02 મીટર પહોંચી ગઈ છે. હાલ ડેમમાં પાણીની આવક 59935 ક્યુસેક છે. નર્મદા ડેમના 7 ગેટ ખુલ્લા હોવાથી જાવક 117519 છે. 1200 મેગાવોટના રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ ચાલુ છે.
પ્રથમ વખત ડેમની સપાટી 132 મીટરને પાર કરી જતાં ડેમમાં પાણીની આવક થઈ રહી છે અને હજુ ડેમ ભરાશે એવી સંભાવના છે. જ્યારે ડેમની સપાટી 131 મીટરને પાર કરી ગઈ હતી ત્યારે ઐતિહાસિક ઘડીને યાદગાર બનાવવા અને નર્મદાના નીરને વધાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સરદાર સરોવર પહોંચ્યા હતા.