પહેલુ ખાન લીંચીંગ કેસ: આ કારણોસર તમામ 6 આરોપીઓનો થયો છૂટકારો

પહેલુ ખાન મોબ લીંચીંગ કેસમાં અલવર ડિસ્ટ્રીક્ટ કોર્ટે તમામ 6 આરોપીઓનો છૂટકારો કરવામાં આવ્યા છે. સરકારી વકીલે કહ્યું કે આ ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. જ્યારે બચાવ પક્ષના વકીલનું કહેવું છે કે કોર્ટે આ મામલે ઐતિહાસિક ફેંસલો આપ્યો છે. બચાવ પક્ષના વકીલ હુકુમચંદે કહ્યું કે જે લોકો આ મામલે રાજકીય રોટલો શેકી રહ્યા હતા તેમને જવાબ મળી ગયો છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ મામલે સરકારી વકીલ કોર્ટમાં પુરાવા સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા.જ્યારે કેટલાક સાક્ષીઓ પણ કોર્ટમાં ફરી ગયા હતા. આરોપીઓને છોડી દેવામાં આવ્યા તેની પાછળ કેટલાક અન્ય કારણો પણ જવાબદાર છે.

આ છે મહત્વના કારણો…

  • કોર્ટે ઘટના સ્થળના વીડિયોને એડમિસેબલ પુરાવા ગણવાનો ઈન્કાર કર્યો.
  • કોર્ટે એમ પણ કહ્યું કે પોલીસે વીડિયોને એફએસએલમાં મોકલીને તપાસ કરાવી નથી, જેથી કરીને આવા વીડિયોને પુરાવા તરીકે ગણી શકાય નહીં.
  • કોર્ટે કહ્યું કે વીડિયો બનાવનાર વ્યક્તિએ વીડિયો રેકોર્ડ કરવા અંગે ખરી માહિતી આપી નથી.
  • કોર્ટે જજમેન્ટમાં કહ્યું કે આરોપીઓ ઓળખ જેલમાં કરવામાં આવી નથી. જેથી કરીને સાક્ષીઓ પર વિશ્વાસ મૂકી શકાય નહીં.
  • મોબાઈલના સીડીઆરને વિશ્વસનીય પુરાવા તરીકે ગણી શકાય નહીં.
  • કૈલાશ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માર મારવામાં આવ્યો છે તે સ્પષ્ટ થતું નથી.
  • પહેલુ ખાને જે 6 લોકો નામ ડાઈંગ ડેકલેરેશનમાં આપ્યા હતા તે આરોપીઓ ઘટનામાં સામેલ ન હતા. આ ઉપરાંત કોર્ટે એમ પણ કહ્યું કે પહેલુ ખાનના દિકરા દ્વારા કોર્ટમાં આરોપીઓની ઓળખ કરી શકાય નથી.નોંધનીય છે કે હરીયાણાના નુંહુમાં રહેતા પહેલુ ખાન પર રાજસ્થાનના અલવર જિલ્લામાં પહેલી એપ્રિલ 2017ના દિવસે હુમલો કરવામાં આવ્યો હતો. પહેલુ ખાન પોતાના બે પુત્રો ઉમર અને તાહીર સાથે જયપુરના પશુ માર્કેટમાં ગાય અને અન્ય જાનવરો ખરીદીને પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન નેશનલ હાઈવે-8 પર કેટલાક લોકોએ પહેલુ ખાન પર હુમલો કર્યો હતો અને ગંભીર રીતે માર માર્યો હતો. જેમાં પહેલુ ખાન ઈજા પામ્યો હતો. સારવાર દરમિયાન ચોથી એપ્રિલે પહેલુ ખાનનું મોત નિપજ્યું હતું. રાજસ્થાન સરકારના મુખ્ય સચિવ રાજીવ સ્વરૂપે કહ્યું કે સરકાર નીચલી અદાલતના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારશે.