આ ચા મળે છે 75 હજાર રૂપિયા કિલો, જાણો શું છે ચાનું નામ અને કેમ છે આટલી મોંઘી?

આસામના ગુવાહાટીમાં ચાની નિલામી યોજવામાં આવી હતી. નિલામી કેન્દ્રમાં આસામના ડીકોમ એસ્ટેટની એક દુર્લભ ચા 75 હજાર રૂપિયા કિલોના ભાવે વેચાઈ હતી. આ એક રેકોર્ડ બની ગયું છે. ગુવાહાટી ચા નિલામી કેન્દ્ર(GTAC)ના સચિવ દિનેશ બિહાનીએ કહ્યું કે આ ચાનું નામ ગોલ્ડન બટરફ્લાય છે. આ ચાને ગુવાહાટીના બે વેપારીઓ દ્વારા જ ખરીદવામાં આવી છે.

એક કિલો ગોલ્ડન બટરફ્લાય ચાની ભારી ભરખમ કિંમત 75 હજાર મળી છે. ગોલ્ડ બટરફ્લાય ચા એક સ્પેશિયલ ચા છે, જેનું ઉત્પાદન દિબ્રુગઢ નજીક આવેલા ડીકોમ ટી એસ્ટેટમાં કરવામાં આવે છે.

GTACના સચિવ દિનેશ બિહાનીએ કહ્યું કે આ ચાને ગુવાહાટીના સૌથી જૂના ચાના વેપારી મેસર્સ અસમ ટી ટ્રેડર્સના માલિકે ખરીદી છે. આ વેપારીએ પહેલાં પણ મોંઘાદાટ ચાની ખરીદારી કરી છે. બિહાનીએ કહ્યું કે GTAC તમામ વેચાણકારોને તક આપે છે તે પોતાની ચાને ઉંચી અને સારી કિંમતે વેચવા માંગતા હોય. ઉત્તમ ચાની હંમેશ માંગ રહે છે અને ખરીદારો હંમેશ ઉત્તમ ચાની કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર હોય છે.

મંગળવારે બનેલા આ રેકોર્ડે પાછલા રેકોર્ડને બ્રેક કરી નાંખ્યું છે. પાછલું રેકોર્ડ માઈજાન ઓર્થોડોક્સ ગોલ્ડન ટી ટીપ્સનું હતું, જેને 31મી જુલાઈએ 70,501 રૂપિયા એક કિલોના ભાવે વેચવામાં આવી હતી. માઈજાન ઓર્થોડોક્સ ગોલ્ડન ટી ટીપ્સને હાથ દળવામાં આવે છે અને તડકામાં સૂકવવામાં આવે છે.