જયપુરમાં બે જૂથો વચ્ચે અથડામણ, 15 પોલીસ મથકમાં કરફ્યુ, નેટ બંધ

રાજસ્થાના પાટનગર જયપુરમાં બે જૂથો વચ્ચે રવિવારે અથડામણ થઈ હતી ત્યાર બાદ મામલો શાંત પડી ગયો હતો પણ મંગળવારે રાત્રે ફરી એક વખત ધર્ષણ થયું હતું. રાવલજી ચાર રસ્તા અને બદનપુરા વિસ્તારમાં બે જૂથો આમને સામને આવી ગયા હતા. પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને 30 કરતાં પણ વધુ ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. બનાવમાં 10 લોકોને ઈજા પહોંચી હતી. પોલીસે 15 પોલીસ મથકમાં કરફ્યુ લાગુ કરી દીધો છે અને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

ઉગ્ર બનેલા ટોળાને કાબૂમાં લેવા માટે વધારાની પોલીસ કુમક તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસે તોફાનીઓને અંકૂશમાં લેવા માટે ટીયરગેસના ટેટા છોડ્યા હતા અને લાઠીચાર્જ કરી કરી તોફાનીઓને ખદેડી દીધા હતા. પોલીસે આઠ તોફાનીઓની અટક કરી છે અને પાંચની ધરપકડ કરી છે.

જયપુરના પોલીસ કમિશનર આનંદ શ્રીવાસ્તવે મીડિયાને કહ્યું કે ગલતાગેટ, રામગંજ, સુભા, ચોક, માણેક ચોક, બ્રહ્મપુરી, કોતવાલી, સંજય સર્કલ, નાહરગઢ, શાસ્ત્રી નગર, ભટ્ટા બસ્તી, આદર્શ નગર, મોતી ડૂંગરી, લાલકોઠી, ટીપી નગર અને જવાહર નગર વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

11મી ઓગષ્ટે ચાર દરવાજા નજીક બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. ત્યારથી તંગદિલી નિર્માણ થઈ હતી. મંગળાવાર રાત્રે તોફાની તત્વોએ ધાર્મિક સ્થળ પર પથ્થરમારો કર્યો હતો. ત્યાર બાદ સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે કરફ્યુ સહિતના પગલા ભર્યા હતા.