સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે કેન્દ્ર સરકારને જમ્મૂ-કાશ્મીર ખીણમાં સામાન્ય સ્થિતિ બહાલ કરવા માટે સમયની જરૂરિયાત છે કારણ કે કશું પણ એક રાતમાં થઈ શકે નહીં. જસ્ટીસ અરુણ મિશ્રાની અધ્યક્ષતાવાળી બેન્ચને કેન્દ્ર સરકારે સૂચિત કરી છે કે જમ્મૂ અને કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પુરતા પગલા ભરવામાં આવી રહ્યા છે. આ જાણકારી બાદ કોર્ટે માન્યું કે ખીણ પ્રદેશમાં સામાન્ય સ્થિતિ લાવવા માટે સરકારને વધુ સમય લાગી શકે છે.
હાલ તો અદાલતે કોંગ્રેસ નેતા તેહસીન પૂનાવાલાની અરજીને બે અઠવાડિયા માટે મુલત્વી રાખી છે. કોંગ્રેસ નેતા તેહસીન પૂનાવાલાએ કેન્દ્ર સરકાર દ્વારા જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાના કારણોસર મૂકવામાં આવેલા કરફ્યુ સહિતના પ્રતિબંધોને દુર કરવા માટે અરજી દાખલ કરી હતી. અદાલતે ભાર મૂકીને કહ્યું છે કે આ એક ગંભીર મુદ્દો છે અને આમાં કોર્ટ હસ્તક્ષેપ કરી શકે નહીં.
કોર્ટે કહ્યું કે ખીણ પ્રદેશમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સરકારે પ્રયાસો ચાલુ રાખવા જોઈએ. કેન્દ્ર સરકારે કોર્ટને ભરોસો આપ્યો છે કે થોડાં દિવસોમાં ખીણ પ્રદેશમાં સામાન્ય સ્થિતિ બહાલ કરી દેવામાં આવશે. આ સાથે જ સરકારે એમ પણ કહ્યું કે 2016ના તોફાનમાં 47 લોકો માર્યા ગયા હતા અને આ વખતે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી.
સરકારે અદાલતને કહ્યું કે રોજબરોજની સ્થિતિની સમીક્ષા કરવામાં આવે છે અને ઓછામાં ઓછી રીતે માનવાધિકારનું ઉલ્લંઘન થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પાછલા સપ્તાહે જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 રદ્દ કર્યા બાદ રાજ્યમાં કાયદો અ વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અંકૂશ મૂકવા માટે કરફ્યુ લાદી દેવામાં આવ્યું છે.