ગુજરાતના માર્ગ અને મકાન વિભાગ તથા ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા બગોદરા-તારાપુર-વાસદના છ માર્ગીય રસ્તાનું કામ ચાલુ છે ત્યારે સાબરમતી નદી પર બગોદરા-તારાપુર અને વાસદને જોડતા ગલીયાણા ખાતે 48 કરોડના ખર્ચે તૈયાર થયેલાં પુલનું આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકાર્પણ કર્યું હતું તેમની સાથે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે ગલીયાણા ખાતે નવનિર્મિત પુલનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, લોકોની રજૂઆત હતી કે, દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રની મુસાફરી બહુ લાંબી થઇ પડે છે ત્યારે બગોદરા-તારાપુરથી વાસદના માર્ગને છ માર્ગીય બનાવી ઝડપી મુસાફરી માટેનાં માર્ગ મોકળા કરી દેવામાં આવ્યા છે. આ છ માર્ગીય સુઆયોજિત આંતરમાળખાકીય પરિવહનને કારણે ઇંધણ, સમયમાં ઘટાડો થશે. સાથે સાથે અકસ્માતોની સંભાવના પણ ઘટશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની સંપતિને સુઆયોજિત રીતે ઉપયોગ કરીશું તો આવનાર પેઢી પણ તેનો લાભ લઇ શકશે. તેમણે કહ્યું કે, આવનારા બે વર્ષમાં ટૂંકાગાળામાં બે તબક્કામાં છ માર્ગીય રસ્તાઓનું કામ પૂર્ણ કરવામાં આવશે. જેમાં બગોદરાથી તારાપુરનો 53.800 કિમી.નો રસ્તો અંદાજિત 694 કરોડના ખર્ચે તૈયાર થશે.
જ્યારે બીજા તબક્કામાં તારાપુરથી વાસદ સુધીનો 48.10 કિમી.ના છ માર્ગીય રસ્તાનું કામ અંદાજે 1005 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. જેનાથી પરિવહન વ્યવસ્થા વધુ સરળ બની રહેશે જેનો અંદાજે 1700 કરોડનો ખર્ચ થશે.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજનો આ ઐતિહાસિક વિકાસશીલ કાર્યક્રમ છે તેમ જણાવી કહ્યું કે, માત્ર છ માસના ટૂંકા ગાળામાં 48 કરોડના ખર્ચે આ પૂલ તૈયાર કરવામાં આવ્યો છે જેનાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને વ્યવહારિક, વ્યાપારિક અને સામાજિક વ્યવહારો પણ સરળ અને ઝડપી બનશે. તેમણે કહ્યું કે, પ્રજા કલ્યાણલક્ષી કાર્યો અને વિકાસ કાર્યો એ રાજ્ય સરકારની હંમેશા અગ્રતા રહી છે અને આજે વિકાસકાર્યોમાં એક છોગું ઉમેરાયું છે.
આ પ્રસંગે સાંસદો દેવુસિંહ ચૌહાણ, મિતેશ પટેલ, ધારાસભ્યો મહેશ રાવલ, દિલીપ પટેલ, પૂનમ પરમાર તથા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.