આ વર્ષે આઝાદ દિનની સાથે જ રક્ષાબંધનનો પર્વ પણ ઉજવવાની તૈયારીમાં હોવાથી આ વર્ષે પંદરમી ઓગસ્ટે ઝવેરાત દુકાનો અને બજારોમાં દેશના વર્તમાન રાજકીય મૂડનું પ્રતિનિધિત્વ કરતો રાષ્ટ્રવાદનો રંગ જોવા મળી રહ્યો છે.
સુરતના બજારો ખરીદદારોને આકર્ષિત કરી રહ્યા છે કારણ કે દુકાનદારોએ આર્ટીકલ 370 રદ્દ કર્યા બાદ રાખડીઓમાં દેશનો નકશો બતાવતી સોના-ચાંદીની રાખડીઓ બનાવી છે અને તેનું વેચાણ કરી રહ્યા છે. કલમ 37૦ રદ્દ કરવાની થીમવાળી રાખીઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
એકતાનો સંદેશ આપવા તથા બે કેન્દ્રશાસિત પ્રદેશો- જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના વિભાજન કરવાના મોદી સરકારના પ્રયત્નોની પ્રશંસા કરવા માટે આ થીમ પર રાખીઓ તૈયાર કરવામાં આવી છે.
રાખડીઓની ખરીદી કરી રહેલા ગ્રાહકે કહ્યું કે રાખીના તહેવારનું આધ્યાત્મિક મહત્વ છે. આ વખતે, રક્ષાબંધનના તહેવારની સાથે સાથે દેશ ભક્તિને રજૂ કરીને રાખડીની ખરીદી કરવામાં આવી રહી છે. ડિઝાઇનર્સ દ્વારા બંને મહત્વપૂર્ણ દિવસો સાથે મળીને ઉજવણી કરવાની એક સરહાનીય પહેલ છે.
ઝવેરાતની દુકાનના માલિકે કહ્યું કે દર વખતે અમે રક્ષાબંધનની ઉજવણી માટે અલગ અલગ થીમ બનાવીએ છીએ તો આ વખતે કલમ 370ને થીમ બનાવવામાં આવી છે. રક્ષા બંધન અને પંદરમી ઓગષ્ટ સાથે હોવાથી બન્ને પર્વને સાંકળી લેવામાં આવ્યા છે. રાખડીઓમાં દેશદાઝ અને દેશભક્તિનું પ્રતિબિંબ પાડવામાં આવી રહ્યું છે. સોના અને ચાંદીની રાખડીઓ તૈયાર કરવામાં આવી છે.