“વિમાન નહીં પણ માત્ર લોકોને મળવાની છૂટ આપવામાં આવે”: રાહુલ ગાંધીએ સ્વીકાર્યું J&Kના રાજ્યપાલનું નિમંત્રણ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના એ નિમંત્રણનો સ્વીકાર કર્યો હતો કે જેમાં રાજ્યપાલે રાહુલ ગાંધીને કાશ્મીરની મુલાકાત માટે વિમાન મોકલવાની ઓફર કરી હતી. રાહુલ ગાંધીએ ટવિટ કરી જવાબ આપ્યો કે પ્રિય રાજ્યપાલ મલિક, હું અને વિપક્ષની પાર્ટીઓનું પ્રતિનિધિ મંડળ આપના જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખની મુલાકાત કરવા માટે આપના નિમંત્રણનો સ્વીકાર કરીએ છીએ.

રાહુલ ગાંધે લખ્યું કે અમને વિમાનની જરૂર નથી પણ એ સુનિશ્ચિત કરો કે અમને ત્યાંના લોકો, નેતાઓ અને સૈનિકો સાથે મળવા દેવામાં આવે. નોંધનીય છે કે જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કાશ્મીરમાં હિંસાના રિપોર્ટ અંગેના નિવેદન સંબંધે ટીપ્પણી કરી કહ્યું હતું કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષને ખીણ પ્રદેશની મુલાકાત લેવા માટે અને સ્થિતિનું નિરીક્ષણ કરવા વિમાન મોકલશે.

રાજ્યપાલ મલિકે કહ્યું હતું કે હું રાહુલ ગાંધીને જમ્મૂ-કાશ્મીર આવવાનું નિમંત્રણ આપું છું. હું તેમના માટે વિમાન મોકલીશ, જેથી કરીને તેઓ સ્થિતિનું નિરીક્ષણ કરી શકે અને ત્યાર બાદ જ કશું બોલે. રાહુલ ગાંધી જવાબદારી વ્યક્તિ છે અને તેમણે આવી વાત કરવી જોઈએ નહીં. રાજ્યપાલ કાશ્મીરમાં હિંસા સંબંધી પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપી રહ્યા હતા.

શનિવારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જમ્મૂ-કાશ્મીરમાં હિંસાના રિપોર્ટ મળી રહ્યા છે અને પ્રધાનમંત્રી મોદીએ આ અંગે પારદર્શી રીતે વાત કરવી જોઈએ. રાજ્યપાલે કહ્યું હતું કે કલમ 370 રદ્દ કરવા અંગે કોઈ પણ રીતે સાંપ્રદાયિત દૃષ્ટિકોણ રાખવામાં આવ્યું નથી.