પૂર્વ PM મનમોહનસિંહે ભર્યું ઉમેદવારી પત્ર, જાણો ક્યાંથી જશે રાજ્યસભામાં?

પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહનસિંહે રાજ્યસભામાં ચૂંટાઈ આવવા માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. આ વખતે તેઓ રાજસ્થાનમાંથી રાજ્યસભામાં ચૂંટાઈ આવવા માટે ઉમેદવાર બન્યા છે. ઉમેદવારી પત્રક ભરાયું ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, ડેપ્યુટી સીએમ સચીન પાયલોટ સહિત કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા.

રાજ્યસભાની આ ચૂંટણી ભાજપના સાંસદ મદનલાલ સૈનીના નિધનથી ખાલી પડી હતી. આ પહેલાં આ સીટ ભાજપ પાસે હતી. રાજ્યસભાની પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવા માટે મનમોહનસિંહ જયપુર આવ્યા હતા. મનમોહનસિંહની જીત માટે કોંગ્રેસ આશ્વસ્ત છે. રાજસ્થાનમાં કોંગ્રેસના 100 ધારાસભ્ય છે, સાથે જ બે અપક્ષ અને બસપાના 6 ધારાસભ્યોનો ટેકો છે. મનમોહનસિંહ માટે જીતવા માટેના વોટ પુરતા છે. જ્યારે ભાજપ પાસે 73 ધારાસભ્યો છે. કુલ 200 ધારાસભ્યોની વિધાનસભામાં કોંગ્રેસ પાસે બહુમતિ છે.

ડો.મનમોહનસિંહ કોંગ્રેસ નેતૃત્વવાળી યુપીએ સરકારમાં વડાપ્રધાન હતા તેઓ આસામથી રાજ્યસભામાં ચૂંટાઈ આવતા હતા. તેમની રાજ્યસભાની મુદ્દત જૂન મહિનામાં પૂર્ણ થઈ હતી. કોંગ્રેસે તેમને રાજસ્થાનમાંથી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે.