બદલાઈ જશે બેન્ક ખૂલવાનો સમય, જાણો શું હશે નવો ટાઈમ

લગભગ બધી જ પબ્લીક સેક્ટર બેન્કો સવારે 10 વાગ્યે ખૂલે છે અને 10 વાગ્યા સુધી લોકોએ ઈન્તેજાર કરવો પડે છે.પણ હવે બેન્ક ખૂલવાનો સમય બદલાઈ જવાની શક્યતા છે, અને જો આમ થાય તો બેન્કીંગ કામકાજ માટે લોકોને મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે એમ છે.

નાણા મંત્રાલય દ્વારા બેન્કીંગ ડિવિઝનની તમામ સરકારી અને ગ્રામીણ બેન્કોનો સમય સવારે નવ વાગ્યે ખોલવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. દેશભરની બેન્કોનો સમય એક જ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. જૂન મહિનામાં બેન્કીંગ ડિવિઝનની બેઠક થઈ હતી જેમાં સુવિધા પ્રમાણે બેન્કોની બ્રાન્ચોના ટાઈમ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ગ્રાહક સુવિધા પર રચાયેલી પેટા સમિતિની બેઠકમાં ભારતીય બેન્કીંગ એસોસિએશને બેન્કીંગ ટાઈમીંગ અંગે ત્રણ સૂચનો કર્યા હતા. પહેલું સૂચન સવારે બેન્કો સવારે નવથી ત્રણ, બીજું સવારે 10 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી અને ત્રીજું 11 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી બેન્કોનું કામકાજ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. હવે આ પ્રસ્તાવ અંગે રાજ્યોની બેન્કોની કમિટી સાથે મસલત કરીને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. નવા નિયમો સપ્ટેમ્બરથી લાગુ થશે. આ નિયમ મુજબ બેન્કો સવારે 10 વાગ્યાના બદલે નવ વાગ્યે ખૂલશે.

એવુ મનાય છે કે બેન્ક ખોલવાનો સમય સપ્ટેમ્બરથી લાગુ કરી દેવામાં આવશે. જોકે, આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ કશી પણ જાહેરાત કરવામાં આવી નથી.