કાપડનો વેપારી પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ગયો, જાણો ધ્રુજારો કરાવતી ઘટના વિશે

સુરત રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ ન. 1 પર પરિવારને ટ્રેનમાં બેસાડી એક કાપડ વેપારી ઉતરવા જતા ટીસીએ તેનો હાથ પકડી લીધો હતો. અને માથાકૂટ કરી હતી. પ્લેટ ફોર્મ ટિકિટ બતાવ્યા બાદ ચાલુ ટ્રેને ઉતારવા જતા કાપડ વેપારી પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ગયો હતો. અને પગનો પંજો કપાઈ ગયો હતો. કાપડ વેપારીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

લિંબાયતમાં આવેલી નીલગીરી સોસાયટીમાં મુકેશકુમાર બાલાપ્રસાદ યાદવ(ઉ.વ.35) પરિવાર સાથે રહે છે. મુકેશકુમારે જણાવ્યું હતું કે, રક્ષાબંધન માટે પત્ની અને સાળાને ટ્રેનમાં બસાડવા ગયો હતો. પ્લેટફોર્મ નંબર. 1 પર ઝાંસી-બાંદ્રા ટ્રેનમાં બેસાડી ઉતરવા જતા ટીસીએ હાથ પકડી લીધો, પ્લેટ ફોર્મ ટિકિટ હોવાનું કહેતા પણ ઉતરવા ન દીધો અને ટ્રેન એ સ્પીડ પકડી પછી હાથ છોડ્યો ને ઉતરવા જતા પ્લેટફોર્મ અને ચાલુ ટ્રેન વચ્ચે પડી ગયો હતો. પગ ટ્રેનમાં કપાઈ ગયો હોવાનો અહેસાસ બાદ પણ જીવ બચાવી પ્લેટફોર્મને પકડીને સૂઈ રહ્યો હતો. દરમિયાન લોકોની બુમાબુમ બાદ ચેઇન પુલિંગ કરી ટ્રેન ઉભી રખાઈ હતી. ત્યારબાદ મુકેશકુમારને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડ્યો હતો. ટ્રેન ઉપડતા જ ટીસીએ કાપડ વેપારી પાસે ટિકિટ માગી હાથ પકડી ઉતરવા ન દેતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.

આરપીએફના કોન્સ્ટેબલ ઉદયસિંગ યાદવે જણાવ્યું હતું કે, ઘટના 11104 બાંદ્રા જતી ટ્રેનના મુસાફર સાથે બની હતી. મુસાફર પરિવારને રિઝર્વેશન નંબર એસ-4ની સીટ નંબર 15-16માં બેસાડી ઉતરવા જતો હતો. ગાડી ચાલુ થઈ જતા ઉતરવા ગયો અને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હતો. તાત્કાલિક ઘટના નજરે જોયા બાદ બુમાબુમ કરી ટ્રેનને ઉભી રાખી દીધી હતી. અને મુસાફરોની મદદથી પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાયેલા મુસાફરને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ સ્ટેશન માસ્તર અને 108ને જાણ કરી હતી.