MD ડ્રગ્સનાં અડ્ડા બનેલા ગુટખા અને ચાની લારી, નશો કરવા યુવાનોએ શોધી કાઢ્યો છે આવો કિમીયો

MD ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસ ખાસ્સી સાવધ થઈ ગઈ છે. MD ડ્રગ્સના ફેલાયેલા નેટવર્કને ભેદવા માટે સુરત સહિત ગુજરાત ભરની પોલીસે તપાસનો ધમધમાટ કર્યો છે. ખાસ કરીને સુરત પોલીસે તો MD ડ્રગ્સની લતે ચઢેલા યુવાનોને અડફેટે લઈ મેગા ડ્રાઈવ કરી હતી અને સેંકડો યુવાનોને ઝડપી પાડ્યા હતા.

MD ડ્રગ્સનું નેટવર્ક ફૂલ્યુંફાલ્યું છે તેની પાછળ તેના પાઉડરને ગળાની નીચે ઉતારવા માટે યુવાનો દ્વારા નીતનવા નુસ્ખા અપનાવવામાં આવી રહ્યા છે. કેટલાક યુવાનો MD ડ્રગ્સ લેવા માટે ગુટખાનો ઉપયોગ કરે છે. એક યુવાને પોતાની કાંડા ધડિયાળમાં MD ડ્રગ્સનું પડીકું છૂપાવ્યું હતું. કોઈને ખબર જ પડે નહીં તે રીતે યુવાન MD ડ્રગ્સનું ચામાં ભેળવીને સેવન કરે છે. એ યુવાન કહે છે કે MD ડ્રગ્સની એક વખત લત પડી ગઈ તો એને છોડવી અશક્ય જેવી છે. છોડવા માંગતો હો તો પણ છૂટે એમ નથી. એ યુવાન સારા ઘરનો નબીરો છે અને પોતાની બૂરી આદત વિશે આવી ચોંકાવનારી વાત કરે છે ત્યારે એવું લાગ્યા કરે છે કે યુવા ધન ખતરનાક રીતે બરબાદીની આરે પહોંચી રહ્યું છે.

પોલીસ સૂત્રો કહી રહ્યા છે કે ગુટખામાં પણ મિક્સ કરી કેટલાક યુવાનો MD ડ્રગ્સનું સેવન કરતા હોવાનું જણાઈ આવ્યું છે. આ બાબતે તપાસ કર્યા બાદ પોલીસ પોશ વિસ્તારમાં આવેલા ટી સ્ટોલ(ચાની લારીઓ) ગુટખા વેચતા ગલ્લાઓ પર ભીંસ વધારી દીધી છે.

ખતરનાક રીતે યુવા ધનને બરબાદની આરે પહોંચાડી રહેલા MD ડ્રગ્સના નેટવર્કને જડમૂળથી ઉખેડી નાંખવા માટે પોલીસ માટે પણ એક મોટી ચેલેન્જ છે તો સાથો સાથ વાલીઓ માટે પણ પોતાના સંતાનોને આડેધડ આપવામાં આવતા રૂપિયાનો ક્યાં ખર્ચ કરવામાં આવે છે તે અંગે તકેદારી રાખવાનો સમય આવી ગયો છે.

MD ડ્રગ્સની એક પડીકી 300થી 500 રૂપિયા અને છેવટે ચારથી પાંચ હજાર રૂપિયા સુધી પણ પહોંચી જાય છે. કોસ્ટલી MD ડ્રગ્સને નશાબાજ યુવાનો ગમે ત્યાંથી શોધી કાઢે છે અથવા આવા લારી ગલ્લાવાળાઓની આજુબાજુ ફરતા પંટરો પાસેથી ખરીદીને નશો કરતા હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે.