નેનો કારને યુવાને બનાવી દીધું હેલિકોપ્ટર અને કરી નાંખ્યું ગજબનું કામ

કોઈ પણ સપનાને પૂર્ણ કરવા માટે ધગશ અને લગનની જરૂર હોય છે અને જો કોઈ પણ ઉદ્યમી યુવાન પૂરી ખંતથી કામ કરે છે તો અશકય વસ્તુ પણ શક્ય બની જાય છે અને મંજીલ આપોઆપ મળે છે. આવી જ ધૂનમાં રચ્યા પચ્યા રહેતા યુવાને નેનો કારને લઈ ગજબનું કામ કરી નાંખ્યું છે. આમ તો વિશ્વાસ ન મૂકી શકાય તેવી વાત છે પણ મિથિલેશે આ અશક્યને શક્ય કરી બતાવ્યું છે. રોડ પર ચાલતી નેનો કારને હવામાં ઉડનારું હેલિકોપ્ટર બનાવી નાંખી છે. જોકે, આ કાર ઉડશે નહીં. પણ એને જોનારા લોકો ચોંકી જરૂર જાય છે.

જી, હા, બિહારના છાપરા જિલ્લામાં રહેતા મિથિલેશ પ્રસાદનું સપનું આજે પૂરૂં થયું છે. મિથિલેશે નેનો કારને હેલિકોપ્ટરમાં ફેરવી નાંખી છે.

મિથિલેશના હેલિકોપ્ટરને જોઈને એમ જ લાગે કે તે હમણાં ઉડશે, પણ એ ઉડશે નહીં. મિથિલેશનું સપનું હતું કે બાળપણથી હવામાં ઉડવાનું સપનું જોતો હતો. પરંતુ ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તે પૂર્ણ થઈ રહ્યું ન હતું. યુવા થયો તો વિચાર આવ્યો કે આપણું જ પોતાનું હેલિકોપ્ટર કેમ ન બનાવી લઈએ.

હેલિકોપ્ટર બનાવવાના વિચાર સાથે નેનો-હેલિકોપ્ટર બનાવવાનું શરૂ કર્યું. નેનો કારને હેલિકોપ્ટરનું રૂપ આપી દઈને તેણે પોતાનું સપનું પૂર્ણ કર્યું છે.