કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીમાં નવું ટવિસ્ટ, સિલેક્શન કમિટીમાંથી સોનિયા-રાહુલ ગાંધી આઉટ

કોંગ્રેસના નવા કાર્યકારી પ્રમુખનું નામ નક્કી કરવા માટે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક દિલ્હીમાં ચાલી રહી છે. આ બેઠકમાં રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને મનમોહનસિંહ સહિત ટોચના અનેક નેતાઓ હાજર રહ્યા છે. બેઠકમાં ઝોનના હિસાબે નામ નક્કી કરવા માટે પાંચ સભ્યોની સિલેક્શન કમિટી બનાવવામાં આવી છે. જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નામ પણ હતા. પરંતુ સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવી કહ્યું હતું કે તેઓ પોતે અને રાહુલ ગાંધી નવા પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં.

આ સમયે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી નવા પ્રમુખની પ્રક્રિયામાંથી બહાર નીકળી ગયા છે. ત્યાર બાદ વર્કીગ કમિટીની બેઠક ફરી એકવાર મળી રહી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે સિલેક્શન કમિટીમા અમારા બન્નેના નામ સામેલ કરવા યોગ્ય નથી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગાંધી પરિવાર દ્વારા મધ્યમ ઉંમરના નેતાને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સંગઠનનના અનુભવી નેતાને કમાન સોંપવા ગાંધી પરિવારની ઈચ્છા છે. મુકુલ વાસનિક લાંબા સમયથી સતત કોંગ્રેસના મહાસચિવ તરીકે રહ્યા છે. આ ઉપરાંત તેઓ રાજીવ ગાંધી ફાઉન્ડેશનના મેમ્બર પણ છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે વાસનિક ગાંધી પરિવારની સૌથી નજીક છે.

કોંગ્રેસ વર્કીંગ કમિટીની બેઠક બાદ કોંગ્રેસ સિલેક્શન કમિટીને પાંચ ઝોનમાં વહેંચણી કરવામાં આવી છે. આ ઝોનના નેતા અધ્યક્ષ પદ માટે વિધાનસભાના નેતા, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખો, સાંસદો અને સચિવો સાથે ચર્ચા કરશે. આ ચર્ચા કર્યા બાદ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખનું એલાન કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા ઈસ્ટ ઝોનમાં સોનિયા ગાંધી અને વેસ્ટ ઝોનમાં રાહુલ ગાંધીનું નામ હતું પણ સોનિયા ગાંધીએ વાંધો લેતા તેમના નામની જગ્યાએ અન્ય નામની વિચારણા કરવામાં આવશે.