જમ્મૂમાંથી 144મી કલમ હટાવાઈ, કાલથી સ્કૂલ ખૂલશે, કાશ્મીરમાં સ્થિતિ કન્ટ્રોલમાં

જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 રદ કરી બે ભાગોમાં વિભાજીત કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ખીણમાં હવે સ્થિતિ સામાન્ય થતી જઈ રહી છે.

શુક્રવારે ખીણની સ્થાનિક મસ્જિદોમાં જુમ્માની નમાઝ માટે કરફ્યુમાં રાહત આપવામાં આવી છે. જોકે, શ્રીનગરની ઐતિહાસિક જામા મસ્જિદમાં લોકોને એકત્ર થવા દેવામાં આવ્યા ન હતા. આ દરમિયાનમાં  સ્થિતિ સામાન્ય થતી જણાતા જમ્મૂમાંથી કલમ 144 હટાવી લેવામાં આવી છે. જમ્મૂ જિલ્લાના ડેપ્યુટી મેજિસ્ટ્રેટ સુષ્મા ચૌહાણે કહ્યું કે કલમ 144( ચાર લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ)ને હટાવી લેવામાં આવી છે. જમ્મૂ મ્યુનિસિપલે આ આદેશને પરત ખેંચ્યો છે. હવે આવતીકાલથી સ્કૂલ-કોલેજો ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે.

જ્યારે કાશ્મીર ખીણમાં સ્થિતિ નિયંત્રણમાં છે. સીઆરપીએફના ડીજી રાજીવ રાય ભટનાગરે શ્રીનગરમાં સીઆરપીએફની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જમ્મૂ-કાશ્મીરના એડિશનલ ડીજી(લો એન્ડ ઓર્ડર) મુનીર ખાને કહ્યું કે જમ્મૂમાં સ્થિતિ સામાન્ય છે. જ્યારે કાશ્મીરમાં નિયંત્રણમાં છે. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે તમામ પ્રકારના પગલાં ભરવામાં આવી રહ્યા છે.