ભરૂચ: ગોરા ગામના બ્રિજને બંધ કરાયો, કરજણ ડેમના 6 દરવાજા ખોલાયા

નર્મદા ડેમમાંથી ભારે પાણી છૂટતા ગોરા ગામનો બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજને ડૂબાડૂબ બ્રિજ પણ કહેવાય છે અને ચોમાસામાં આ પુલની રેલિંગ પણ કાઢી લેવામાં આવે છે. નર્મદા ડેમથી સૌથી પહેલો આ બ્રિજ છે જે પથ્થરોથી બનાવવામાં આવેલો છે. જિલ્લા કલેક્ટરે સોશિયલ મીડિયામાં આ પુલ પર અવરજવર બંધ કરાઈ હોવાની જાહેરાત કરી છે.

બીજી તરફ નર્મદા જિલ્લાના પાંચ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.જિલ્લા દરમિયાન 12 કલાકમાં 6 ઇંચ વરસાદ પડી ગયો છે. કરજણ ડેમના ઉપરવાસ સાગબારા અને ડેડીયાપાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે કરજણ ડેમમાં નવા નીર આવ્યા છે.

કરજણ ડેમનું રુલ લેવલ પાર થતા કરજણ ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. કરજણ નદી કાંઠા વિસ્તારને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે. કરજણ નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે.