અરુણ જેટલીને એઇમ્સમાં દાખલ કરાયા, પીએમ મોદી પહોંચ્યા હોસ્પિટલ

પૂર્વ નાણા પ્રધાન અરુણ જેટલીને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખબર અંતર જાણવા એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા છે.

જેટલીને એઈમ્સના કાર્ડિયોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે અને એન્ડોક્રિનોલોજિસ્ટ, નેફ્રોલોજિસ્ટ અને કાર્ડિયોલોજિસ્ટની ટીમ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

ગયા વર્ષે 14 મેના રોજ 66 વર્ષીય જેટલીનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું અને તે આ વર્ષે જાન્યુઆરીમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં “નિયમિત તબીબી તપાસ” માટે ગયા હતા. મે 2019 માં તેમને સારવાર માટે એઈમ્સમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા.

લાંબા સમયથી ડાયાબિટીઝની સ્થિતિને કારણે સપ્ટેમ્બર 2014ની શરૂઆતમાં તેમણે  બેરિયાટ્રિક સર્જરી કરાવી હતી. તત્કાલીન કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલને નાણામંત્રીનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો અને ગોયલે  ફેબ્રુઆરી 2019 માં વચગાળાનું કેન્દ્રિય બજેટ પણ રજૂ કર્યું હતું.

અરુણ જેટલીએ 2019 ની લોકસભાની ચૂંટણી લડી નહોતી. નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી ભાજપ સરકાર મે, 2019માં સત્તા પર આવ્યા પછી જેટલીએ પીએમ મોદીને લખેલા પત્રમાં કહ્યું હતું કે તેઓ તેમની ખરાબ તબિયતના કારણે “કોઈપણ જવાબદારી” થી દૂર રહેવાનું પસંદ કરશે અને ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો.

વ્યવસાયે વકીલ એવા અરુણ જેટલી મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં મહત્વની જવાબદારીઓ સંભાળતા આવ્યા હતા અને  મંત્રીમંડળમાં સૌથી મહત્વપૂર્ણ નેતા રહ્યા હતા. ઘણી વખત સરકાર માટે સંકટ મોચક બની રહ્યા હતા.