કાશ્મીરમાં ડોભાલના ફોટો અંગે બોલ્યા આઝાદ, “રૂપિયા આપીને કોઈને પણ સાથે કરી શકાય છે”

કોંગ્રેસના સાંસદ અને રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ તથા જમ્મૂ-કાશ્મીર કોંગ્રેસના પ્રમુખ ગુલામ અહમદ મીરને શ્રીનગર એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યા છે. ગુલામ નબી આઝાદ કાશ્મીર જઈ રહ્યા હતા ત્યારે તેમને અટકાવી દેવામાં આવ્યા હતા.

કાશ્મીરમાં રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલનો ગઈકાલે કાશ્મીરીઓ સાથેનો ફોટો વાયરલ થયો હતો. આ ફોટો અંગે ગુલામ નબી આઝાદે કહ્યું કે રૂપિયા આપીને કોઈને પણ સાથે કરી શકાય છે. જમ્મૂ-કાશ્મીરમાં રલમ 370 રદ્દ કરીને જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા બાદ ડોભાલ કાશ્મીર ખીણના શોપીયામાં કેટલાક લોકો સાથે વાતચીત કરી રહ્યા હોવાનો ફોટો સામે આવ્યો હતો.

નોંધનીય છે કે સંસદે મંગળવારે જમ્મૂ-કાશ્મીરના વિશેષ દરજ્જા સંબંધી કલમ 370ની કેટલીક જોગવાઈઓને સમાપ્ત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. રાષ્ટ્રપતિ કોવિંદે કલમ 370ના પ્રસ્તાવોને નિરસ્ત કરવાના પ્રસ્તાવને મંજુરી આપી હતી.