જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટી ગયા બાદ હવે વિવિધ કંપનીઓ ત્યાં પોતાની ફેક્ટરી અને પ્લાન્ટ સ્થાપવા માટે બેબાકળી બની છે. તો ગુજરાતની અને દુનિયાભરમાં જાણીતી અમૂલ હવે ત્યાં ડેરી ઉદ્યોગ ક્ષેત્રે મદદરૂપ થશે. જમ્મુ-કાશ્મીર મિલ્ક પ્રોડ્યુસર ફેડરેશન અમુલના માર્ગદર્શન હેઠળ હવે દૂધ ઉત્પાદન ક્ષેત્રે આગળ વધશે.
સરકારે જમ્મૂ-કાશ્મીરમાં મેગા ફૂડ પાર્કની રચના કરવાની જાહેરાત કરી છે. જે માટેની તમામ તૈયારીઓ ફૂડ પ્રોસેસિંગ મિનિસ્ટ્રીએ પૂર્ણ કરી દીધી છે. એટલું જ નહીં, પણ ઈન્ડસ્ટ્રી ચેમ્બર્સ અહીં પોતાનું કાર્યાલય પણ ખોલશે. ત્યારે અમૂલ પણ હવે જમ્મુ-કાશ્મીરમાં ડેરી ઉદ્યોગને વિકસિત કરશે.
હાલ જમ્મુ-કાશ્મીરમાં 390 દૂધ મંડળીઓમાંથી અમૂલ પેટર્ન મુજબ દૈનિક એક લાખ લિટર દૂધનું સંપાદન થઈ રહ્યું છે. અને આ ટાર્ગેટ દૈનિક પાંચ લાખ લિટર સુધી લઈ જવાનો ઉદ્દેશ છે. ડેરી સેક્ટર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં રોજગારી ઉત્પન્ન કરવાનો નિર્ધાર છે અને તે માટે અમૂલ તમામ પ્રકારની મદદ કરશે.
જમ્મૂ એન્ડ કાશ્મીર મિલ્ક પ્રોડ્યુસર્સ કો-ઓપરેટિવ લિમિટેડને નફો કરવામાં અમૂલ મદદ કરશે. 2024-25ના અંત સુધી જેકેએમપીસીએલનું વાર્ષિક ટર્નઓવર 115 કરોડ સુધી પહોંચાડવાનું અને પ્રતિ વર્ષ 180 લાખ કિલો દૂધ ઉત્પાદન કરવાનું લક્ષ્યાંક છે. અમૂલ જમ્મુ-કાશ્મીરમાં પ્રોજેક્ટ અંતર્ગત 35-40 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરશે.