કલમ 370 રદ્દ: ખિજવાયું પાકિસ્તાન, ભારત સાથેના તમામ વ્યપારિક સંબંધો તોડી નાંખ્યા

જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 રદ્દ કરવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાન બોખલાયું છે. પાકિસ્તાને ભારત સાથેના રાજનાયિક સંબંધો ઘટાડી નાંખ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બાદ પાકિસ્તાને ભારત સાથેના દ્વિપક્ષીય વ્યાપર પર રોક લગાવી દીધી છે. આની સાથે જ પાકિસ્તાને ભારત સાથેના તમામ વ્યાપરિક સંબંધો તોડી નાંખ્યા છે. હવે પછી પાકિસ્તાન ભારત સાથેના દ્વિપક્ષીય સમજૂતીઓની સમીક્ષા કરશે. સાથે જ કાશ્મીર મામલાને યુનોમાં લઈ જવાની ધમકી આપી છે. ન્યૂઝ એજન્સી એએફપીના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાને ભારત ખાતેના રાજદુતને દુર કરી દીધા છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની અધ્યક્ષતામાં ઈસ્લામાબાદ ખાતે પ્રધાનમંત્રી કાર્યાલય પર નેશનલ સિક્યોરીટીની બેઠક મળી હતી. જેમાં આર્ટીકલ 370 હટાવવાના વિરોધમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન નેશનલ સિક્યોરીટી કમિટીએ આ બેઠકમાં કેટલાક અન્ય નિર્ણય પણ કર્યા હોવાના અહેવાલ છે.

આ નિર્ણયોમાં ભારત સાથેના કૂટનીતિક સંબંધોમાં ઘટાડો કરવો, દ્વિપક્ષીય વ્યાપરના સંબંધો સમાપ્ત કરવા અને દ્વિપક્ષીય વ્યવસ્થાઓની સમક્ષી કરવાની બાબતો સામેલ છે. પાકિસ્તાની સૂત્રો જણાવી રહ્યા છે કે પાકિસ્તાન સરકાર હવે પછી ભારતમાં રાજદૂત નહીં મોકલવાનો નિર્ણય કરી શકે છે. રાજદૂતે આ મહિને જ ચાર્જ લેવાનો છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં ભારતના રાજદૂત અજય બિસારીયાને પણ પાકિસ્તાન છોડી જવાનું કહેવામાં આવે તેવી શક્યતા છે.

આ પહેલાં મંગળવારે પાકિસ્તાની સંસદના સંયૂક્ત સત્રને સંબોધન કરતા ઈમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાન પર ફરી એક વખત યુદ્વ કરવાનો પ્રયાસ કરવામાં આવશે અને હુમલો થશે. આ સ્થિતિમાં પાકિસ્તાન જવાબી કાર્યવાહી કરશે. યુદ્વ બન્ને રીતે થઈ શકે છે. જો અમે યુદ્વ લડીશું તો લોહીના અંતિમ ટીપાં સુધી લડીશું અને આવા યુદ્વનું પરિણામ સમગ્ર વિશ્વ માટે દુખદ સાબિત થશે. આ પરમાણુ બ્લેક મેઈલ નથી.