સુષ્મા સ્વરાજનો પાર્થિવ દેહ પંચતત્વમાં વિલિન, ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડ્યા MDH મસાલાનાં માલિક મહાશય ધર્મપાલ ગુલાટી

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો પાર્થિવ શરીર રાજકીય સન્માન સાથે પંચમહાભૂતમાં વિલીન થયો. 67 વર્ષીય ભાજપના નેતા સુષ્મા સ્વરાજનું અંતિમ સંસ્કાર પુત્રી બાંસુરી સ્વરાજે કર્યું. સુષ્મા સ્વરાજના અંતિમ દર્શન માટે ભાજપ કાર્યાલય પર જનમેદની ઉમટી પડી હતી.  અંતિમ દર્શન કરવા પહોંચેલા MDH મસાલાના સંસ્થાપક અને માલિક મહાશય ધર્મપાલ ગુલાટી પાર્થિવ શરીરને જોઈને ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડ્યા હતા.

ન્યૂઝ એજન્સી એએનઆઈએ વીડિયા રિલીઝ કર્યો છે જેમાં જોવા મળે છે કે સુષ્મા સ્વરાજના અંતિમ દર્શન કર્યા બાદ મહાશય ધર્મપાલ ગુલાટી શ્રદ્વાંજલિ આપતી વખતે અત્યંત ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતા. ત્યાં ઉપસ્થિત લોકોએ જેમ તેમ કરીને તેમને સંભાળ્યા હતા. અંતિમ વિધિ વખતે ભાજપના નેતાઓ સહિત પતિ સ્વરાજ કૌશલ પણ હાજર હતા.

પંચતત્વમાં વિલિન થતાં પહેલાં સુષ્મા સ્વરાજને શ્રદ્વાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. વિપક્ષી પાર્ટીઓના નેતાઓ પણ લાંબી લાઈનમાં દેખાયા હતા. ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડૂ, પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા સ્પીકર ઓમ બિરલા સહિતના નેતાઓએ શ્રદ્વાંજલિ આપી હતી. વૈંક્યા નાયડૂ પણ શ્રદ્વાંજલિ આપતી વખતે રડી પડ્યા હતા.