જમ્મૂ-કાશ્મીરમાંથી છૂટી છવાઈ હિંસા થઈ હોવાની માહિતી મળી રહી છે. રિપોર્ટ પ્રમાણે મંગળવારે શ્રીમગરના કેટલાક વિસ્તારોમાં પથ્થરમારો થયો હતો. શ્રીનગરમાં અંદાજે નવ જગ્યાએ પથ્થરમારો થયો હોવાની જાણકારી મળી રહી છે. માહિતી પ્રમાણે હાજી બાદ કેમ્પ, સોમ્યાર મંદિર, ઈસ્લામા કોલેજ, છોટા બજાર, હમદાનીયા બ્રિજ, જેવીસી, બેમિના અને પારવ ગ્રીડ જેવા નવ સ્થળોએ તોફાની તત્વો દ્વારા પથ્થરમારો કરાયો હતો. સબજી મંડી વિસ્તારમાં તોફાની તત્વોએ પથ્થરમારાનો પ્રયાસ કર્યો હતો. કેટલીક જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા અને ન્યાય આપવાની માંગ કરવામાં આવી હતી.
હાલ સમગ્ર રાજ્યમાં 144મી કલમ લાગૂ કરી દેવામાં આવી છે. ચારથી વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ છે. મોદી સરકારે કલમ 370 હટાવી લઈ જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખનું વિભાજન કરી નાંખ્યું છે. શ્રીનગરમાં મોબાઈલ, ઈન્ટરનેટ, બ્રોડ બેન્ડ પર પ્રતિબંધ છે. સરકારના ઉચ્ચ સૂત્રોએ આશંકા વ્યક્ત કરી છે કે જમ્મૂ-કાશ્મીરમાં 370 નાબૂદ કર્યા બાદ સ્થિતિ ગંભીર વળાંક લઈ શકે છે અને તેના માટે અગમચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે. મોટાભાગે રાજ્યમાં કરફ્યૂનો માહોલ અને સન્નાટો જોવા મળી રહ્યો છે.
આ દરમિયાનમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ જમ્મૂ-કાશ્મીરમાં કેમ્પ કરી રહ્યા છે અને સમગ્ર સ્થિતિ પર નિગરાની રાખી રહ્યા છે. પોલીસ અધિકારીઓ સાથે તાલમેલ કરી રહ્યા છે. અલગાવવાદીઓ દ્વાર લાગણી ભડકાવવાના પ્રયાસને કચડી નાંખવા માટે પોલીસ અને આર્મીને તૈનાત કરી દેવામાં આવી છે.