કેન્દ્ર સરકારે બંધારણના આર્ટીકલ 370 રદ્દ કર્યા બાદ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસમાં ડખો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓએ જમ્મૂ-કાશ્મીરના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે અને ભાજપ સરકાર સાથે ઉભેલા જોવા મળી રહ્યા છે.
ઉત્તરપ્રદેસના ધારાસભ્ય અદિતિસિંહ હોય કે મહારાષ્ટ્રના મિલિંદ દેવરા હોય અથવા કોંગ્રેસના દિગ્ગજ નેતા જનાર્દન દ્વિવેદી હોય એમ બધાએ મોદી સરકારના નિર્ણયને જનહિતમાં ગણાવ્યું છે.
ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાજ્યસભામાં જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 રદ્દ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જમ્મૂ કાશ્મીરમાંથી લદ્દાખને અલગ કરી દેવામાં આવ્યો છે અને બન્નેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા છે.
સોનિયા ગાંધીના નજીકના મનાતા જનાર્દન દ્વિવેદીએ કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે મારા રાજકીય ગુરુ રામ મનોહર લોહિયા હંમેશા આ આર્ટીકલની વિરુદ્વ હતા. ભલે મોડેથી પણ ઈતિહાસની એક ભૂલને દુરસ્ત કરવામાં આવી છે. હું આનો સ્વાગત કરું છું.
જનાર્દન દ્વિવેદી ઉપરાંત કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ મોદી સરકારના નિર્ણયને સમર્થન આપ્યું છે. યુપીના રાયબરેલી સદરના ધારાસભ્ય અદિતિસિંહે રાજ્યસભામાં સરકારના નિર્ણયને વધાવ્યો હતો અને લખ્યું કે દેશે એકજૂટ રહેવાની જરૂર છે. તેમણે ટવિટર પર લખ્યું કે યુનાઈટેડ વી સ્ટેન્ડ, જય હિંદ.
મહારાષ્ટ્રના કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ મિલિંદ દેવરાએ ટવિટ કરીને લખ્યું કે કાશ્મીરમાં વિકાર અને રોજગારની દ્રષ્ટિએ આ નિર્ણયનું સમર્થન કરું છું. તેમણે રાજ્યસભામાં આ મામલે થયેલી ચર્ચાને ખોટી દિશામાં લઈ જવા બાબતે પણ ખેદ વ્યક્ત કર્યો હતો.