કાશ્મીરમાં 370ની કલમ હટાવવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવને લીધે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે, પરંતુ મહારાષ્ટ્ર ભાજપ વધારે આનંદમાં છે, કારણ કે બે મહિનામાં જ અહીં વિધાનસભાની ચૂંટણી છે અને કેન્દ્રના આ નિર્ણયનો સીધો પ્રભાવ મતદારો પર પડવાનો છે ત્યારે ભાજપ માટે પાંચેય આંગળા ઘીમાં છે જ્યારે રાજ્યમાં પોતાનું વર્ચસ્વ વધારવા મથી રહેલી શિવસેના માટે કપરાં ચઢાણ છે. ભાજપ અને શિવસેના વિધાનસભાની ચૂંટણી સાથે લડશે તેવી જાહેરાત તો કરે છે, પરંતુ અલગ અલગ લડવાની તૈયારી પણ કરી રહ્યા છે.
શિવસેના એકસરખી બેઠકો અને મુખ્ય પ્રધાનપદની માગ કરી રહી છે અને ભાજપને તે મંજૂર નથી. આથી બન્ને વચ્ચે મતભેદ થવાની શક્યતા હતી, પરંતુ લોકસભામા લેવાયેલા ઐતિહાસિક નિર્ણયે પરિસ્થિતિ બદલી નાખી છે. એક તરફ દેવેન્દ્ર ફડણવીસની લોકપ્રિયતા, બીજી બાજુ એકંદરે સારો થયેલો વરસાદ અને લોકસભાના સકારાત્મક પરિણામોને લીધે ભાજપનું પલડું પહેલેથી જ ભારે હતું.
શિવસેનાએ જન આશીર્વાદ યાત્રા કાઢી યુવા નેતા આદિત્ય ઠાકરેને આગળ કરવાનો પ્રયત્ન કર્યો અને મુખ્ય પ્રધાનપદનો દાવો જાહેર કર્યો હતો. હાલમાં મુખ્ય પ્રધાન મહાજનાદેશ યાત્રામાં વ્યસ્ત છે અને તેમનો પહેલો તબક્કો પૂરો થયા બાદ યુતિ અને બેઠકોની વહેંચણીનો દૌર શરૂ થશે તેમ માનવામાં આવતું હતું.
હવે બદલાયેલી પરિસ્થિતિમાં ભાજપ શિવસેનાને અડધી અડધી બેઠકો આપશે કે કેમ તે સવાલ છે. સંપૂર્ણપણે ભાજપતરફી માહોલને જોતા ભાજપના નેતાઓ અને ખાસ કરીને ટિકિટઈચ્છુકો એકલા લડવાની માગ વધારે આક્રમકતાથી કરશે, તે સ્વાભાવિક છે ત્યારે ભાજપ પણ એકલા હાથે મહારાષ્ટ્રને સર કરવાની કોશિશ કરે તો નવાઈ નહીં. શિવસેનાએ સોમવારે ‘સામના’માં પીડીપીનાં અધ્યક્ષા મહેબૂબા મુફ્તી સામે એન્ટિ ટેરરિઝમ લૉ અંતર્ગત સજા કરવાની માગ કરી હતી અને ગૃહ પ્રધાન અમિત શાહે તેમને સહન ન કરી લેવા જોઈએ તેવી સલાહ આપી હતી, પરંતુ સોમવારે સવારે કેન્દ્રએ કરેલા પ્રસ્તાવ બાદ શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શાહની પેટ ભરીને પ્રશંસા કરી હતી અને સેનાભવન ખાતે ઉજવણી પણ કરવામાં આવી હતી. હિન્દુવાદી વિચારધારાને લીધે સેના ભાજપની સાથે જોડાયેલી રહે છે, તેમ ઠાકરે વારંવાર કહે છે ત્યારે કાશ્મીરનો નિર્ણય થયા બાદ તેમની પાસે ભાજપ પર આક્ષેપો કરવાનો હાલમાં કોઈ ખાસ મુદ્દો નથી.
હાલમાં જ ભાજપે કરેલા આંતરિક સર્વેમાં એકલા હાથે લડે તો પણ ભાજપ બહુમતી મેળવી શકે છે, તેવુ તારણ બહાર આવ્યું છે. આ તમામ સ્થિતિ જોતા શિવસેના પાસે તોલમોલ કરવા માટે ખાસ કોઈ કારણ કે વાતાવરણ નથી, આથી સેનાએ પોતાનો સ્વર દબાતો રાખવો પડે તેવી સંભાવના છે, તેમ એક નેતાએ જણાવ્યું હતું. જોકે બીજી ટર્મમાં ભાજપના નિર્ણયોમાં સેનાએ સાથ આપ્યો છે અને ભાજપ સામે આક્ષેપો કરવામાં ઠંડું વલણ અપનાવ્યું છે. આથી હાલમાં બન્ને પક્ષ મૈત્રીપૂર્ણ સંબંધોની વાત કરી રહ્યા છે, પરંતુ વિધાનસભામાં કેટલો મનમેળ ટકી રહે છે તે એકાદ મહિનામાં જનતાની સામે આવશે.