ભરૂચના હાંસોટ, જંબુસર, આમોદ, કાપોદ્રા અને બાકરોલમાં પાણી જ પાણી

ભરૂચમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે જંબૂસર, આમોદ અને બાકરોલમાં ચારેતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હાંસોટની સ્થિતિની તંત્ર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. જ્યારે ભૂખી ખાડી ઓવર ફ્લો થતાં આજૂબાજુના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ભારે વરસાદના કારણે જંબુસર તાલુકાના કોરા ગામમાં  નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તાલુકાના કોરા ગામમાં નવી નગરી સ્ટેશન વિસ્તાર તેમજ ગામમાં પાણી ભરાતાં નીચાણવાળા વિસ્તારના લોકોની કફોડી હાલત બની હતી. સંભા ગામે ગામ લોકોના ઘરોમા વરસાદી પાણી ભરાયા હતા.

આમોદ તાલુકાના મછાસરા ગામે ભારે વરસાદને પગલે આમોદ તાલુકાના નદી, નાળામાં પાણીની આવક વધતા ગામમાં પાણી ફળી વળ્યાં હતા. વરસાદના પાણીએ ઘણા ખરા ગામડાઓની સ્થિતિ બગાડી હતી. રોડ-રસ્તા ધોવાયા તો કેટલાક ગામડા ઓ સંપર્ક વિહોણા બની જવા પામ્યા છે.

જ્યારે ભરૂચના પરીએજ ,સેંઘવા, સિતપોન,ટકારીયા ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડીમાં પાણીની આવક વધતા ભૂખી ખાડી ઓવર ફ્લો થઈ હતી. આજુબાજુના ગામડાઓની સ્થિતિ દયનીય બની હતી.

ભરૂચ સિટીની વાત કરીએ તો ટકારીયા ભાગોળમાં ઘુંટણ સમા પાણી ભરાયા હતા.બાકરોલનું તળાવ તૂટવાની અણીએ પહોંચી જતા ગામોલોકો સાવધ થઈ ગયા છે. કાપોદ્રા ગામમાં લોકોને અલર્ટ કરવા માટે એલાન પણ કરવામાં આવ્યું હતું. કાપોદ્રા ગામના ઝકરિયા પાર્ક રોશનપાર્ક સહકાર પાર્કના રહેવાસીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

હાંસોટ ખાતે નાયબ કલેકટરના અધ્યક્ષ સ્થાને એટીવીટીની મિટિંગ યોજવામાં આવી હતી જેમાં તાલુકાના પ્રશ્નો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. હાંસોટની સ્થિતિને લઈ તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.