દાઉદી વ્હોરા સમાજના વડા ધર્મગુરુ સૈયદના મુફદ્દલ ભાઈસાહેબનું કોલંબોમાં થયું ફ્રેકચર, સારવાર માટે મુંબઈ ખસેડાયા

સમગ્ર દુનિયામાં પથરાયેલા દાઉદી વ્હોરા સમાજના વડા ધર્મગુરુ ડો.સૈયદના મુફદ્દલ ભાઈસાહેબને ગઈકાલે શ્રીલંકાના કોલંબોમાં ફ્રેકચર થયું હતું. ફ્રેકચર થતાં ડો.સૈયદનાને કોલંબોથી મુંબઈમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયામાં વ્હોરા સમાજના વડા ધર્મગુરુના શહેઝાદા હુસૈન ભાઈસાહેબ બુરહાનુદ્દીન દ્વારા સેન્ડ કરાયેલા મેસેજમાં જણાવાયું છે કે હુઝુર હાલ મુંબઈમાં તશરીફ ફરમા છે. તેમની તબિયત બહુ જ સારી છે અને સૈફી હોસ્પિટલમાં ફ્રેકચરની સારવાર કરવામાં આવી રહી છે.

વ્હોરા સમાજના આશરાના ઓફીશિયલ અકાઉન્ટ દ્વારા જાણવા મળે છે કે ગઈકાલે ડો.સૈયદનાને કોલંબો ખાતે ફ્રેકચર થયું હતું. તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લાવવામાં આવ્યા હતા અને સૈફી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. હાલ ડો.સૈયદનાની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ડો.સૈયદનાના સ્વાસ્થ્ય માટે સુરત સહિત સમગ્ર દેશમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે. સુરતની અંજુમનના પૂર્વ સેક્રેટરી અને આગેવાન યુસુફ ભાઈ બદરીએ ફ્રેકચર થયું હોવાની વાતને સમર્થન આપ્યું હતું અને કહ્યું કે હાલ ડો.સૈયદનાની તબિયત સારી છે. તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે.