Zomato વિવાદમાં પોલીસે કસ્યો સકંજો, કરશે આ કાર્યવાહી

ઓનલાઈન ફૂડ કંપની ઝોમેટો અંગે મધ્યપ્રદેશ પોલીસ દ્વારા જબલપુરમાં રહેતા યુવક વિરુદ્વ આકરી કાર્યવાહી કરવાની દિશામાં આગળ વધી રહી છે. પોલીસ યુવકને નોટીસ મોકલશે. ઝોમેટો પર ખાવાનું ઓર્ડર કર્યા બાદ નોન-હિન્દુ એટલે મુસ્લિમ યુવક ફૈયાઝ ખાન દ્વારા ડિલીવરી કરવામાં આવતા અમિત શુક્લા નામના યુવકે ખાવાનું કેન્સલ કરી નાંખ્યું હતું. આ ઘટનાને ટવિટર પર પણ શેર કરવામાં આવી હતી અને ત્યાર બાદ ભારે હોબાળો થયો હતો.

અમિત શૂક્લાએ પોતાના ટવિટર હેન્ડલ પર ઝોમેટોને ટેગ કરીને લખ્યું હતું કે ઝોમેટોએ મને નોન-હિન્દુ રાઈડર હસ્તક ખાવાનું મોકલ્યું હતું. તેઓ રાઈડર બદલી શકતા નથી અને ન તો રિફંડ આપવા માટે તૈયાર છે. અમિત શૂકલાએ આગળ લખ્યું કે જો નહીં ઈચ્છું તો તમે મને જબરદસ્તી ખાવાનું લેવા માટે મજબૂર કરી શકો નહીં.

અમિત શૂકલાના ટવિટ બાદ ઝોમેટોએ આકરો જવાબ આપ્યો હતો કે ભોજનનો કોઈ ધર્મ હોતો નથી. ભોજન પોતે જ એક ધર્મ છે. ત્યાર બાદ ઝોમેટોના ફાઉન્ડરે પણ જવાબ આપ્યો હતો. દિપેન્દ્ર ગોયલે લખ્યું કે અમને આઈડીયા ઓફ ઈન્ડીયા અને અમારા ગ્રાહકો તથા ભાગીદારોની વિવિધતા પર ગર્વ છે.

જબલપુર પોલીસના અમિતસિંહે કહ્યું કે અમિત શૂક્લાને નોટીસ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. જો આ સાચું હશે તો ધાર્મિક લાગણીને દુભાવવાની ઘટના બની રહેશે અને આ એક ગુનો છે.

પોલીસે કહ્યું છે કે કોઈએ ફરીયાદ આપી નથી, પણ પોલીસ ટવિટર પોસ્ટને સ્વંય ધ્યાને લીધી છે અને તેના કારણે જ નોટીસ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોતાની પોસ્ટની ટીકા બાદ પણ અમિત શૂક્લાએ પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો અને કહ્યું કે આ મારા વ્યક્તિગત ધર્મનો પ્રશ્ન છે. મારા નિર્ણયનો સન્માન કરવાનું રહે છે. અમારો પવિત્ર શ્રાવણ મહિનો ચાલે છે. મેં શાકાહારી રેસ્ટોરન્ટમાંથી જવાનું મંગાવ્યું હતું. મેં માત્ર ઝોમેટોને ડિલીવરી બોયને બદલવાનું કહ્યું હતું. પણ ઝોમેટોએ આવું નહીં કર્યું. મને લાગતું કે મેં કોઈ ગુનો કર્યો છે.