ગાંધીનગર સચિવાલયમાં બે અધિકારીઓ વચ્ચે બખેડો, ગાળા-ગાળી અને મારામારી સુધી વાત પહોંચી, જાણો આખો મામલો…

ગઈકાલે સાંજે ગાંધીનગર સચિવાલયમાં ઉચ્ચ કક્ષાના બે સનદી અધિકારીઓ વચ્ચે જોરદાર જંગ મંડાયો હતો અને મામલો ગાળા-ગાળીથી લઈ મારામારી સુધી પહોંચી જતા સમગ્ર સચિવાલયમાં ભારે ચકચાર મચી જવા પામી હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

સચિવ કક્ષાના અધિકારીઓ વચ્ચે એક અધિકારીને આપવાના મામલે બનેલી ઘટના અંગે સનદી અધિકારીઓમાં ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે. એક અધિકારીને ફરજમાં વધુ મહેતલ આપવાને લઈ થયેલા બબાલના સાક્ષીઓ કર્મચારીઓ અને અન્ય સ્ટાફના લોકો બન્યા હતા. એક સમય એવો હતો કે ઝઘડો કરનારા બન્ને અધિકારીઓ ખાસ મિત્રો હતા.

બન્ને અધિકારીઓની લડાઈમાં જે અધિકારીને ફરજમાં વધુ મહેતલ આપવાની બાબત હતી તે અધિકારીનો મરો થઈ ગયો છે અને ફાઈલ પર નેગેટીવ શેરો મારી દેવામાં આવ્યો હોવાનું વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે.

વાત એટલે સુધી પહોંચી ગઈ હતી કે બન્ને ઉચ્ચ અધિકારીઓએ એકબીજાના કોલર પકડીને લાતમલાત પણ કરી હોવાનું મનાય છે. સ્ટાફના માણસો ઘટના બનતા આઘાપાછા થઈ ગયા હતા.