સુપ્રીમ કોર્ટ તરફથી અયોધ્યાની વિવાદિત જમીન અંગે કોર્ટની બહાર સમાધાન કરવા માટે રચવામાં આવેલી મધ્યસ્થતા પેનલે ગુરુવારે સુપ્રીમ કોર્ટને બંધ કવરમાં રિપોર્ટ સુપરત કર્યો હતો. સુપ્રીમ કોર્ટના રિટાર્યડ જજ એફઆઈઆઈ કલિફુલ્લાના વડપણ હેઠળ બનેલી ત્રણ મેમ્બરની આ પેનલને પંદરમી ઓગષ્ટ સુધી રિપોર્ટ સબમીટ કરવા માટે મહેતલ આપવામાં આવી હતી.
જોકે, કોર્ટની તરફથી મધ્યસ્થતા પેનલને કહેવાયું હતું કે જલ્દીમાં જલ્દી રિપોર્ટ ફાઈલ કરે. આ વર્ષના માર્ચ મહિનામાં પાંચ પાંચ મેમ્બરની સુપ્રીમ કોર્ટના જજની બેન્ચે કોર્ટની બહાર સમાધાનની કોશીશ માટે મધ્યસ્થતા પેનલની રચના કરી હતી. જોકે, યુપી સરકારે પેનલનો પ્રથમ વિરોધ કર્યો હતો અને બાદમાં સ્વાગત કર્યું હતું.
2012માં ઈલ્હાબાદ હાઈકોર્ટના ચૂકાદા વિરુદ્વ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવામાં આવી રહી છે. ઈલ્હાબાદ હાઈકોર્ટે 2.77 એકર જમીનને ત્રણ ભાગ એટલે કે નિર્મોહી અખાડા, સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ અને રામ લલ્લા કમિટીની વચ્ચે વહેંચવાનો ફેંસલો કર્યો હતો. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં શુક્રવારે પાંચ જજની બેન્ચ રિપોર્ટ બાદ હવે પછી શું કરવામાં આવશે તે અંગે ફેંસલો આપી શકે છે. બંધારણીય બેન્ચમાં જસ્ટીસ એસએ બોબડે, જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને અબ્દુલ નઝીર સામેલ છે. જજોએ સંકેત આપ્યા હતા કે જો મધ્યસ્થતાના પ્રયાસો નિષ્ફળ જાય તો બંધારણીય બેન્ચ સમક્ષ આવેલી અરજી અંગે રોજે રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.